UpdatedIST

Mahashivratri 2026: CM ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા, ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી

મુખ્યમંત્રી પટેલે ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી અને તેમનું અભિવાદન કર્યું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Feb 2026 09:12 AM (IST)Updated: Mon 16 Feb 2026 09:12 AM (IST)
cm-bhupendra-patel-visited-bhavnath-mahashivratri-mela-2026-at-junagadh-692891
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી પટેલ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા
  • CM ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કર્યા
  • મુખ્યમંત્રી પટેલ સાથે ઉર્જા રાજ્ય મંત્રી પણ પૂજામાં જોડાયા

CM Patel Bhavnath visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.  મુખ્યમંત્રી સાથે ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન-પૂજામાં જોડાયા હતા.

મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા CM પટેલ 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળામાં સહભાગી થયા હતા. આ સાથે મેળાના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું.

મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા

સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા, ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા.

સાધુ સંતો સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરીહરાનંદબાપુ અને મહેશગીરી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી પટેલનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાને સ્મૃતિચિન્હ અર્પણ કરી વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ભાવિકો સાથે કરી વાતચીત

પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી અને તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાના સાધુ-સંતો અને દિગંબર સાધુઓની નીકળતી રવેડીનું વિશેષ મહત્વ છે.