Girnar Lions Video: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષાના સમન્વયનો એક મહત્વનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત રાત્રે આશરે 3:00 વાગ્યે ગિરનારની નવી સીડીના આશરે 50માં પગથિયા નજીક 3 નર એશિયાટિક સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોની આ હાજરીને પગલે વન વિભાગની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો.
વન વિભાગનો ઝડપી પ્રતિસાદ
આ ઘટના અંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણ અને જનસુરક્ષા બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જૂનાગઢ વન વિભાગની ટીમે સતર્કતા દાખવી સિંહોની હિલચાલ પર સતત નજર રાખી હતી. વન વિભાગની તાલીમબદ્ધ કામગીરીને કારણે ત્રણેય સિંહોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર સુરક્ષિત રીતે સીડીનો વિસ્તાર પાર કરાવી તેમના કુદરતી આવાસ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ગિરનાર આવતા યાત્રાળુઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
મંત્રીનો સંદેશ
કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગીર અને ગિરનારનો સમૃદ્ધ જૈવ વૈવિધ્ય આપણું ગૌરવ છે અને તેનું રક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. તેમણે યાત્રાળુઓને વન્યપ્રાણીઓ સાથેના સંઘર્ષને ટાળવા માટે વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
યાત્રાળુઓ માટે વન વિભાગની ખાસ માર્ગદર્શિકા:
વન વિભાગે યાત્રાળુઓની સુરક્ષા માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે:
- વન્યપ્રાણી દેખાય તો ગભરાશો નહીં અને તેમને કોઈપણ પ્રકારે ઉશ્કેરશો નહીં.
- સિંહ કે અન્ય વન્યપ્રાણી દેખાય તો તુરંત નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરો.
- શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારે અથવા મોડી રાત્રે યાત્રા કરવાનું ટાળો.
- ગિરનારની સીડી પર પ્રસાદ કે અન્ય ખાદ્યપદાર્થો ન ફેંકો. તેનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાય છે, જેના પરિણામે માંસાહારી વન્યપ્રાણીઓ પણ તે વિસ્તારમાં આવી શકે છે.
નોંધનીય છે કે, અર્જૂન મોઢવાડિયા ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ વન્યજીવ અને માનવ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
