UpdatedIST

Junagadh: મહિલા PI સાથે માથાકૂટ મામલે યુટ્યુબર કીર્તિ પટેલ સામે ગુનો દાખલ, પોલીસને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ

મૃગીકુંડમાં સ્નાન સમયે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ફરજ પરના મહિલા PIએ કિર્તી પટેલને ખસી જવાની સૂચના આપતાં તે ઉશ્કેરાઈ હતી. કિર્તી પટેલે આંગળી ચિંધીને ગેરવર્તણૂંક કરી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 17 Feb 2026 07:44 PM (IST)Updated: Tue 17 Feb 2026 07:44 PM (IST)
junagadh-controversy-fir-filed-against-kirti-patel-after-clash-with-woman-pi-693899
HIGHLIGHTS
  • કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં સંત ઈન્દ્રભારતી બાપુ પર સંગીન આક્ષેપ કરી રહી છે

Junagadh: જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડ સ્નાન મામલે વધુ એક મોટો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તન અને ફરજમાં રૂકાવટ કરવા બદલ તેની મુશ્કેલીઓ વધી છે.

મૃગીકુંડમાં સ્નાન બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફરજ પરના મહિલા PI કે.જે. મોડ દ્વારા કીર્તિ પટેલને સાવચેતીના ભાગરૂપે ત્યાંથી ખસી જવા સૂચના આપવામાં આવી હતી. જો કે કીર્તિ પટેલે સંયમ ગુમાવ્યો હતો અને મહિલા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

મહિલા PI દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે પોલીસ અધિકારી સામે આંગળી ચીંધીને ઉગ્ર વર્તન કર્યું. મહિલા PIને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાયદેસરની ફરજ બજાવી રહેલા પોલીસ સ્ટાફના કામમાં અડચણ ઉભી કરી સ્થળ પર વાતાવરણ ડહોળવાનો અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મૃગીકુંડ વિવાદ બાદ હવે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ હવે સંત ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આક્ષેપો કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, તે બાપુની હકીકતનો પર્દાફાશ કરશે. જો કે, સ્થાનિક ચર્ચા મુજબ પોતાની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ અને પોતાના પાપ છુપાવવા માટે તે હવે આવા હવાતિયાં મારી રહી છે.