Junagadh Lion Cub Rescue: લોખંડનો ગેટ કૂદવાની કોશિશમાં ફસાયેલ સિંહ બાળ ઘાયલ, વનવિભાગના રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો

જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં એક સિંહ બાળ લોખંડના ગેટ પરથી કૂદતી વખતે ઘાયલ થયું. વન વિભાગ અને સક્કરબાગ ઝૂની ટીમે તેને બચાવી સારવાર માટે ખસેડ્યું, જ્યાં તેની હાલત સ્થિર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 05:17 PM (IST)Updated: Sat, 01 Aug 2026 05:17 PM (IST)
junagadh-lion-cub-rescue-forest-department-saves-bloodied-cub-treatment-underway

Junagadh Lion Cub Rescue: જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક નર સિંહ બાળ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરવા જતાં ગંભીર રીતે ઘાયલ થયું હતુ. આ બાબતની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા સિંહના બચ્ચાને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે મોકલવામાં આવ્યું છે. આ સંદર્ભે ખુદ રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે.

હકીકતમાં આજે વહેલી સવારે જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે 1 થી 2 વર્ષનું સિંહનું બચ્ચુ પસાર થઈ રહ્યું હતુ. આ સમયે એક લોખંડના ઊંચા ગેટ પરથી કૂદીને બીજી તરફ જવાનો પ્રયાસ કરવા જતાં સિંહ બાળનો પાછળનો પગ ગેટમાં ફસાઈ જવાથી તે ઈજાગ્રસ્ત થયું હતુ.

 

 

આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને સિંહના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

જે બાદ રેસ્ક્યુ કરાયેલા સિંહના બચ્ચાને વધુ સારવાર અર્થે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યું છે. જ્યા તબીબોની સતત દેખરેખ હેઠળ સિંહના બચ્ચાની સારવાર ચાલી રહી છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું માલૂમ પડ્યું છે.