Junagadh: ગીર જંગલમાંથી એક અત્યંત અદ્દભૂત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેને વન્યજીવ પ્રેમીઓએ 'સાવજોનું સામ્રાજ્ય' સાબિત કર્યું છે. ગીરની સફારીમાં સામાન્ય રીતે એક કે બે સિંહના દર્શન થવા પણ મોટી ઉપલબ્ધિ મનાય છે, ત્યારે આજે એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર શાંતિથી લટાર મારતું જોવા મળ્યું હતું.
તાજેતરમાં ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર આ દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું હતું. ડ્રાઇવર વકાર રાણીયાની જીપ્સીમાં રહેલા પ્રવાસીઓ આ વિરાટ ટોળાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો
પ્રવાસીઓએ જણાવ્યું કે, "સામાન્ય રીતે 4-5 સિંહોનું જૂથ જોવા મળતું હોય છે, પરંતુ 11 સિંહોનું આ વિરાટ ટોળું જોઈને સૌ કોઈ રોમાંચિત થઈ ગયા. એકસાથે આટલા બધા ડાલામથ્થા સિંહોને નજીકથી જોવું એ જીવનનો એક એવો અનુભવ છે, જે માત્ર ગીર જ આપી શકે છે.
સિંહને સામાન્ય રીતે એકલા અથવા નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ ગીરમાં સિંહોના મોટા પરિવારો જોવા મળે છે, જે તેમની પ્રજનન અને સંરક્ષણની સફળતા દર્શાવે છે. આ 11 સિંહોનું જૂથ એ વાતનો જ પુરાવો છે.પ્રવાસીઓએ આ અદ્ભુત ક્ષણને તાત્કાલિક પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. સિંહની ગર્જના માત્ર શક્તિનું પ્રતિક નથી, પણ ગીરના શાંત જંગલના ધબકારા પણ છે. જે પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહે છે.
