Junagadh: માળીયા હાટીનામાં 700 મણ મગફળી આગમાં સ્વાહા, ખેતરમાં સૂકવવા મૂકેલો ઢગલો બળીને રાખ થઈ ગયો

ભાણવડના વાનવડ ગામના ખેડૂતના ખેતરમાંથી પસાર થઈ વીજ લાઈનમાં શોર્ટસર્કિટના તણખા ઝરતાં પાંચ વીઘાના મઠનું કાલર આગમાં બળીને રાખઈ થઈ ગયું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 26 Nov 2025 09:01 PM (IST)Updated: Wed 26 Nov 2025 09:01 PM (IST)
junagadh-news-700-man-of-groundnuts-were-destroyed-in-fire-at-gotana-village-of-maliya-hatina-645106
HIGHLIGHTS
  • માવઠાના માર બાદ પાકમાં આગથી ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ

Junagadh: કમોસમી વરસાદના કારણે પહેલેથી જ નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. વીજતારમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ લાગવાના બે અલગ-અલગ બનાવોમાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

માળીયાહાટીના તાલુકાના ગોતાણા ગામમાં ખેડૂત જગદીશભાઈ યાદવ દ્વારા ખેતરમાં સૂકવવા માટે રાખેલી 700 મણ મગફળીનો ઢગલો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

જગદીશભાઈ યાદવે જણાવ્યું હતું કે, તેમણે ૫૫ વીઘાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદમાં તેમની ઘણી મગફળી પલળી ગઈ હતી. 100 મણ મગફળી ગોડાઉનમાં રાખી હતી, પરંતુ બાકીની 700 મણ ભીની મગફળી સૂકવવા માટે ખુલ્લામાં રાખવામાં આવી હતી. વીજતારમાં સ્પાર્ક થવાને કારણે આ મગફળીના ઢગલામાં આગ લાગી હોવાની આશંકા છે. વીજકંપની દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, ભાણવડના વાનાવડ ગામે ખેડૂત નવીનભાઈ નકુમના ખેતરમાંથી પસાર થતી વિજલાઇનમાં શોર્ટ સર્કિટ થતાં તણખા ઝર્યા હતા અને આગ લાગી હતી. ખેતરના શેઢે પડેલું પાંચ વીઘાના મઠનું કાલર (સૂકું ઘાસ/અવશેષ) આ આગમાં બળીને રાખ થઈ ગયું હતું.કમોસમી વરસાદ પછી આગની આ ઘટનાઓએ ખેડૂતોને બેવડો માર માર્યો છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે.