Junagadh: સાઈબર ક્રાઈમની સતર્કતા છતાં સાઇબર ઠગો જાણીતી હસ્તીઓના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવીને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પૈસા પડાવતા હોય છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ જૂનાગઢ પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે કોઈ ગઠિયાએ ફેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે.
આ મામલે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ ગોઠીએ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા ઈસમો દ્વારા ધારાસભ્ય સંજય કોરડીયાના ફોટા અને નામનો ઉપયોગ કરીને ફેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે. આટલું જ નહીં, આ ફેક આઈડી દ્વારા ખોટા મેસેજ મોકલીને ધારાસભ્યની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કેસની તપાસ માટે જૂનાગઢ SOG દ્વારા મેટા કંપની પાસેથી ફેક IDની વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં આ ફેક આઈડી પાકિસ્તાનમાં બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સાથે જ બે શંકાસ્પદ મોબાઈલ નંબરો પણ મળી આવ્યા છે. હાલ તો બી ડિવિઝન પોલીસે આ બે અજાણ્યા મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
