Junagadh: ગીરમાં પ્લાસ્ટિક આરોગતા હરણનો શિકાર કરતાં સિંહોને ખતરો જણાતા તંત્ર હરકતમાં, તાત્કાલિક JCB વડે કચરો હટાવી દેવાયો

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ વીડિયો શેર કરતા પ્રવાસીઓને જવાબદાર બનવાની તેમજ અભ્યારણ્યની અંદર કચરો ફેંકવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 30 Nov 2025 09:13 PM (IST)Updated: Sun 30 Nov 2025 09:13 PM (IST)
junagadh-news-forest-department-removed-garbage-with-the-help-of-jcb-near-gir-forest-647393
HIGHLIGHTS
  • કેબિનેટ મંત્રીએ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી
  • સામુહિક સંકલ્પ લઈએ કે, આપણે ગીરને સ્વચ્છ, પ્લાસિટક મુક્ત અને આવનારી પેઢી માટે સુરક્ષિત રાખીશું

Junagadh: ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો પ્લાસ્ટિકનો કચરો ખાતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં એશિયાટિક સિંહોના સ્વાસ્થ્ય પર ખતરો જણાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતુ અને JCBની મદદથી કચરો હટાવવામાં આવ્યો છે.

હકીકતમાં રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીએ ગીર જંગલની બહારના વિસ્તારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હતો. જેમાં કેટલાક હરણો પ્લાસ્ટિકનો કચરો ખાઈ રહ્યા હતા.

સાંસદે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, પ્લાસ્ટિક આરોગત હરણ તેમનો શિકાર કરતાં એશિયાટિક સિંહો માટે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતે પ્રવાસીઓને જવાબદાર બનવાની તેમજ અભ્યારણ્યની અંદર કચરો ફેંકવાનું બંધ કરવાની સલાહ આપી હતી. આ સાથે જ સરકાર તેમજ વન વિભાગના અધિકારીઓને ગીરના વન્યજીવ માટે પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ સુનિશ્ચિક કરવા કડક નિયમો લાગુ કરવાનું સૂચન કર્યું હતુ.

બીજી તરફ આ વીડિયો ધ્યાને આવતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાત્કાલિક DSF જૂનાગઢને સ્થળ પર ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશનને પણ કચરો સાફ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ પ્લાસ્ટિકનો કચરો હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ જવાબદાર પ્લોટ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગીરએ ગુજરાતનું ગૌરવ છે, તેમજ આપણાં એશિયાટિક સિંહો અને વન્યજીવન અમૂલ્ય છે. તેમના રહેઠાણની આસપાસ સિંગલ યુઝ પ્લાસ્ટિકને કોઈ સ્થાન નથી. દરેક નાગરિક અને પ્રવાસીએ આપણા વન્યજીવનના રક્ષક તરીકે કામ કરવું જોઈએ.