Junagadh: આજથી 4 વર્ષ પૂર્વે જૂનાગઢમાં તલાટી-કમ-મંત્રી પર હુમલો કરી ફરજમાં રુકાવટ ઊભી કરનાર આરોપીને કોર્ટે છ માસની જેલ અને દંડની સજા ફટકારી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 24 જૂન, 2022ના રોજ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તલાટી-કમ-મંત્રી તરીકે ચનાભાઈ રાજાભાઈ વકાતર ફરજ બજાવતા હતા.
સવારે 9 કલાકે ચનાભાઈ VCE રિપોર્ટ માટે ગ્રામ પંચાયતની કચેરીએ હતા, ત્યારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ શ્યારા અને વિપુલ શ્યારા આવી પહોંચ્યા હતા. જેમણે પોતાના પ્લોટના બિનખેતી (NA)ના નોંધ નંબર આપવાની માંગણી કરી હતી.
આ સમયે તલાટી ચનાભાઈ વકાતરે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાગળો આપવાનું કહેતા બન્ને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલાવા લાગ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્ર શ્યારાએ તલાટીના ગાલ પર થપ્પડ મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ-189, 332, 294(ખ) અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી.
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે 10 જેટલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે પુરાવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યા બાદ નોંધ્યું હતું, કે બનાવ સમયે તલાટી સરકારી ફરજ પર હતા અને આરોપી જીતેન્દ્ર શ્યારા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે.
જૂનાગઢના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ગૌરવકુમાર સોમાભાઈ દરજી દ્વારા આ કેસનો આખરી હુકમ સંભાળવામાં આવ્યો હતો. પોતાના ચુકાદામાં જજે સ્પષ્ટ કર્યું કે, સરકારી કર્મચારી પર પોતાની ફરજ દરમિયાન હાથ ઉપાડવાના અને રૂકાવટ કરવાના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં.
ન્યાયાધીશ ગૌરવકુમાર દરજીએ આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રવિણભાઇ શ્યારાને IPC કલમ-189 મુજબ 6 (છ) માસની સાદી કેદ અને રૂ. 1,000/- દંડ તથા IPC કલમ-332 મુજબ વધુ 6 (છ) માસની સાદી કેદ અને રૂ. 1,000/- દંડની સજા ફટકારી છે.
જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાની રહેશે અને તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. જ્યારે સહ-આરોપી વિપુલભાઇ શ્યારાને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
