Junagadh: જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખૂબ જ સક્રિય છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં 'ગોપાલ ઈટાલિયા વિસાવદરમાંથી ગાયબ છે' શિર્ષક હેઠળ એક પોસ્ટ વાયરલ થઈ હતી. જો કે આજે ગોપાલ ઈટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતે તબીબની સલાહ પ્રમાણે આરામ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટમાં ગોપાલ ઈટાલિયાને ઉદ્દેશીને લખવામાં આવ્યું હતું કે, વિસાવદરની જનતાને મૂર્ખ બનાવી વોટ મેળવ્યા પછી હવે વિસાવદરમાં ગાયબ છે. હવે તો વિસાવદરની જનતા પણ કહે છે કે, ગોપાલ ઈટાલિયા કામ કર, નહીંતર દિલ્હી વાળી થશે.
હકીકતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કિસાન પંચાયતોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સતત ઉપસ્થિત રહેવાના કારણે ગોપાલ ઈટાલિયાને પેટમાં દુખાવો ઉપડતાં જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં સોનોગ્રાફી કરાવતા એપેન્ડિક્સ ફાટીને રસી આખા પેટમાં ફેલાઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી તબીબની સલાહ અનુસાર તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી.
આ પણ વાંચો
હાલ ગોપાલ ઈટાલિયાને હોસ્પિલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. જો કે આગામી 10 થી 15 દિવસ સુધી તબીબોએ મુસાફરી ના કરવાની અને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
પોતાની પોસ્ટમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, સતત મુસાફરી, અનિયમિત જમવાનું અને અનિયમિત સૂવાનું હોવાના કારણે થોડાક સમયથી પેટમાં દુખાવાની સમસ્યા હતી. જો કે અલગ અલગ જિલ્લામાં કિસાન મહાપંચાયતમાં હાજર રહેવાનું તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી અને કડદા આંદોલન, માવઠાની સહાય અને ખેડૂત આત્મહત્યા વગેરે મહત્વના કાર્યોમાં મારું હાજર રહેવું જરૂરી હોવાથી હોવાથી શારીરિક તકલીફને અવગણીને હું સતત દોડ્યા કરતો હતો.
આમ તો થોડાક દિવસ પહેલા મને પેટનો દુઃખાવો હતો પણ દવાઓ લઈને ખેડૂતોના કાર્યક્રમમાં હાજરી આપતો હતો. પરંતુ પેટનો દુઃખાવામાં રહી ન શકાય એવી હાલત થઈ જતા મારે તાત્કાલિક દવાખાને જવું પડ્યું હતું. જુનાગઢની પ્રખ્યાત કે.જે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોનોગ્રાફી સારવાર કરાવતા ડોક્ટરે મને જણાવ્યું કે, શરીરમાં એપેન્ડિક્સ ફાટી ગયેલ છે અને રસી આખા પેટમાં ફેલાઈ ગયેલ છે. તાત્કાલિક સર્જરી નહીં કરવામાં આવે તો મોટી તકલીફ થઈ શકે છે.
આથી કે.જે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો. વિનય હરિયાણી અને તેમની ટીમે મારી લેપ્રોસ્કોપિક સર્જરી કરી છે અને હાલમાં હું સ્વસ્થ છું. અત્યારે ડોક્ટર દ્વારા ઓછામાં ઓછામાં દસ-પંદર દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
