જૂનાગઢમાં સરકારી ટપાલથી ગાંજાનું સ્મગલિંગ: SOG એ 4.23 કિલો ગાંજો જપ્ત કર્યો, સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ સહિતના આરોપીઓ પકડાયા

જૂનાગઢમાં સરકારી ટપાલ મારફતે ઓડિશાથી મંગાવવામાં આવેલા 4.23 કિલો ગાંજાનો SOGએ પર્દાફાશ કર્યો. સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 24 Jul 2026 10:09 AM (IST)Updated: Fri, 24 Jul 2026 10:09 AM (IST)
junagadh-post-office-ganja-smuggling-sog-seizes-4-23-kg-ganja-suspended-head-constable-arrested

Junagadh: જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ચલાવતા અસામાજિક તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  રાજ્યમાં અગાઉ ખાનગી કુરિયરના માધ્યમથી નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ સરકારી પોસ્ટ  સેવાનો ઉપયોગ કરીને નશીલા પદાર્થો મંગાવવાનો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

ઓડિશાથી ટપાલ મારફતે મંગાવાયો ગાંજો

ACP રોહિત ડગરે જણાવ્યું હતું કે, જૂનાગઢ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે સરકારી પાર્સલ મારફતે નશીલો પદાર્થ આવવાનો છે. આ માહિતી મળતાની સાથે જ એસઓજી અને સ્થાનિક પોલીસ સાદા કપડામાં વોચ ગોઠવીને સફળ દરોડો પાડ્યો હતો.  જેમાં કેટલાક લોકો ડિલીવરી લેવા આવવાના હતા.  પોલીસે પાર્સલ લેવા આવેલા રઇશખાન પઠાણ અને સોહીલ શેખ નામના બે શખસોને ઝડપી લીધા હતા.

એફએસએલની રિપોર્ટમાં થયો ખુલાસો

પોલીસે સ્થળ પર જ એફએસએલની ટીમને તત્કાલિક બોલાવીને ટેસ્ટિંગ કરાવ્યું હતું તો જથ્થો પ્રતિબંધિત ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસની ટીમે શંકાસ્પદ ઇસમના ઘરે દરોડો કરતાં તેના ઘરમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. હાલ પોલીસે આ કેસમાં તપાસ લંબાવીને વધુ આરોપીઓની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓને કોર્ટ સામે રજૂ કરતા આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓમાં કિરણ કાનજી રાઠોડ, સોહેલ અને રઈસનો સમાવેશ  છે.

કૌભાંડમાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલની સંડોવણી 

આ કેસની તપાસ દરમિયાન ખૂબ જ ચોકાવનારો ખુલાસો થયો હતો કે, આ રેકેટનો મુખ્ય આરોપી કિરણ કાનજીભાઈ રાઠોડ અગાઉ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને તે છેલ્લા 4 મહિનાથી સસ્પેન્ડ છે. તેની સામે અગાઉ પણ ૩ ગુના નોંંધાયા છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

એસીપી રોહિત ડાગરના જણાવ્યા મુજબ, આ ગાંજાનું પાર્સલ મોકલનાર શખ્સ ઓડિસાથી ગોપીદાદા નામનો ઇસમ છે. આ ગાંજો સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ કિરણ કાનજીભાઈ રાઠોડ અને અમિત ઉર્ફે ચેમ્પિયન દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ સિન્ડિકેટમાં અકીલ નામનો શખ્સ મુખ્ય કડી તરીકે કામ કરતો હતો. અકિલના કહેવાથી જ ભવનાથ પોસ્ટ ઓફિસ પાર્સલ લેવા માટે રઈશખાન પઠાણ, સોહિલખાન અને સની આવ્યા હતા. તેમને પોલીસે સ્થળ પરતી પરથી દબોચી લીધા હતા. હાલ આ મામલે  ભવનાથ પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.