વાયરલ વિડીયો અને લાફાવાળી વિવાદ મામલે સામે આવ્યા MLA અરવિંદ લાડાણી: વાંચો શું કહ્યું?

Manavadar: માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વાયરલ થયેલા લાફાવાળીના વીડિયો અંગે બે દિવસ બાદ સ્પષ્ટતા કરી છે. તેમણે તમામ આક્ષેપોને ખોટા ગણાવી ચાર મુખ્ય દલીલો રજૂ કરી, જેમાં વાહન ભાડાનો વિવાદ, ગરબી ફાળો, ડ્રાઇવર સાથેનું મનદુઃખ અને પૂર્વયોજિત કાવતરાનો સમાવેશ થાય છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 02:22 PM (IST)Updated: Mon, 23 Nov 2026 02:22 PM (IST)
mla-arvind-ladani-has-responded-regarding-the-video-of-the-altercation
MLA અરવિંદ લાડાણી

Manavadar: માણાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક યુવકને આતરીને લાફાવાળી કરવાનો અને બેફામ વાણી-વિલાસ કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો હતો. ઘટનાના 2 દિવસ સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આવ્યા છે અને તેમણે વીડિયોને લઈને પોતાનો પક્ષ રજૂ કરીને ખુલાસો કર્યો છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીની સ્પષ્ટતા અને 4 મુખ્ય દલીલો

અરવિંદ લાડાણીએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મૂકતાં તમામ આક્ષેપોને તદન ખોટા ગણાવ્યા હતા અને મુખ્ય 4 મુદ્દાઓ દ્વારા સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી:

1. વાહન અને DJ ભાડાનો વિવાદ: લાડાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 ની ચૂંટણી વખતે તેમણે મનીષ નામના યુવકના વાહન અને DJ ભાડે રાખ્યા હતા. પરંતુ વર્ષ 2024 ની ચૂંટણીમાં તેના વાહનો ભાડે રાખવામાં આવ્યા નહોતા, જેના કારણે અણબનાવ થયો હોઈ શકે છે.

2. ગરબીના ફાળાનો આક્ષેપ: ઉમા ખોડલ ગરબી મંડળ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, તેઓ પાટીદારના દીકરા તરીકે દર વર્ષે ગરબીમાં જાય છે અને યથાશક્તિ ફાળો આપે છે. આ અંગે ગરબી કમિટીના સભ્યો પાસે ચકાસણી કરી શકાય છે.

3. ડ્રાઇવર સાથેનું મનદુખ અને અપશબ્દો: તેમણે ઉમેર્યું કે તેમના ડ્રાઇવર પરેશભાઈ અને મનીષ વચ્ચે અગાઉથી મનદુ:ખ ચાલી રહ્યું હતું, જેની તેમને જાણ નહોતી. ગરબી દરમિયાન તેઓ સ્ટેજ પર બેઠા હતા ત્યારે મનીષ પાછળ બેસીને ડ્રાઇવર અને ધારાસભ્ય વિશે જોર-જોરથી અપશબ્દો બોલી રહ્યો હતો, જે અંગે ડ્રાઇવરે તેમને જાણ કરી હતી.

4. કેમેરાવાળી પેન અને પૂર્વયોજિત કાવતરૂં: ધારાસભ્યે દાવો કર્યો હતો કે આ એક પૂર્વયોજિત કાવતરૂં હતું. મનીષ પોતાની સાથે કેમેરાવાળી બોલપેન રાખીને ફરતો હતો જેથી કોઈપણ રીતે અથડામણ ઊભી કરીને વિડીયો બનાવી શકાય.

હિજરત અને માફી અંગે ધારાસભ્યનો દાવો

મનીષ દ્વારા કરવામાં આવેલા હિજરતના આક્ષેપો અંગે ધારાસભ્ય લાડાણીએ જણાવ્યું હતું કે તે ઓલરેડી છેલ્લા 3 થી 4 વર્ષથી જૂનાગઢ ખાતે રહેવા જતો રહ્યો છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે મનીષ પોતે જ મીડિયા સામે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવાની વાત કરી ચૂક્યો છે. તેમને બદનામ કરવાના હેતુથી આવી ખોટી બાબતો ફેલાવવામાં આવી રહી છે.

જનપ્રતિનિધિ તરીકેના વર્તન પર ચર્ચા

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ 2 દિવસ બાદ આપેલી પ્રતિક્રિયા બાદ પણ આ વિષયે ચર્ચા જગાવી છે. જનપ્રતિનિધિ તરીકે જાહેર માર્ગ પર આ રીતે ઉગ્રતાથી વાણી-વિલાસ કરવો કે આક્રમક વર્તન કરવું કેટલું યોગ્ય છે તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મનદુખ કે વિવાદ ગમે તે હોય, પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે સંયમ જાળવવો અને વાટાઘાટો દ્વારા પ્રશ્ન ઉકેલવો હિતાવહ માનવામાં આવે છે.

MLA અરવિંદ લાડાણીના ડ્રાઈવર પરેશભાઈનું મોટું નિવેદન:

પરેશભાઈએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આશરે 7 થી 8 મહિના પહેલાં તેઓ ગાંધીનગર ખાતે હતા ત્યારે તેમના જ વિસ્તારના અને સમાજના 3 યુવકો તેમને મળ્યા હતા. આ યુવકોમાંથી એક યુવક અને મનીષભાઈની ભત્રીજી વચ્ચે મનમેળ હોવાથી, બંને એક જ જ્ઞાતિના હોવાના નાતે પરેશભાઈએ મનીષભાઈને ફોન કરીને વાતચીત કરી હતી.

ત્યારબાદ 6 થી 7 મહિના સુધી કોઈ સમસ્યા નહોતી, પરંતુ નવરાત્રીના થોડા સમય પહેલાં મનીષભાઈની ભત્રીજી અન્ય જ્ઞાતિના છોકરા સાથે ચાલી ગઈ હતી. આ ઘટનામાં મનીષભાઈએ એવું મનદુખ અને શંકા રાખી લીધી હતી કે તેમાં પરેશભાઈનો હાથ છે. જોકે પરેશભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તે છોકરી કે છોકરા કોણ છે તેને ઓળખતા પણ નહોતા.

ગરબી મંડળમાં બેફામ ગાળો અને અસભ્ય વર્તન

પરેશભાઈએ નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાની વિગતો આપતાં કહ્યું કે, સાતમા નોરતે તેઓ ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે માં ઉમા ખોડલની ગરબીમાં ગયા હતા. ધારાસભ્ય સ્ટેજ પર હતા અને પરેશભાઈ અન્ય લોકો સાથે નીચે બેઠેલા હતા.

તે દરમિયાન મનીષ રાજા પાઠમાં હોય તેમ પરેશભાઈની બાજુમાં આવીને બેસી ગયો હતો અને પરેશભાઈ તેમજ ધારાસભ્ય સાહેબ વિશે બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. ગરબીના પાવન પ્રસંગે કોઈ વિવાદ કે અશાંતિ ન સર્જાય તે માટે પરેશભાઈએ બધું સહિષ્ણુતાથી સહન કરી લીધું હતું અને પાછળથી બહાર આવીને ધારાસભ્ય સાહેબને આખી વાતથી માહિતગાર કર્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી અને પૂર્વયોજિત કાવતરું

પરેશભાઈએ વધુમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ બનાવ પછી મનીષ અવારનવાર તેમને જાનથી મારી નાખવાની અને ટાટિયા ભાંગી નાખવાની ધમકીઓ આપતો હતો તથા અન્ય લોકોને પણ આવી વાતો કહેતો હતો.