દિવાળી વેકેશનમાં 80 હજારથી વધુ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન, જાણો કેટલી થઈ વન-વિભાગને આવક

Diwali Vacation: દિવાળી વેકેશનમાં ગીર, દેવળીયા, આંબરડી,બરડા અને ગિરનાર નેચર સફારીમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 11:36 AM (IST)Updated: Mon, 23 Nov 2026 11:36 AM (IST)
more-than-80000-tourists-visited-various-safari-parks-during-the-diwali-vacation
ગીર અને દેવળિયાની મોટી સંખ્યામાં પ્રવાસીઓએ લીધી મુલાકાત

Diwali Vacation: ગુજરાતના ગૌરવ અને ઘરેણાં સમાન એશિયાઈ સિંહોના કુદરતી નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં વર્ષ 2026ના દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.વન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ દિવાળી પર્વમાં એટલે કે તા. 9થી 15 નવેમ્બર, 2026 દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે અંદાજે કુલ 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા‌ હતા, જેના પરિણામે ગુજરાત વન વિભાગને રૂ‌.1.59 કરોડથી વધુની આવકની સાથે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે.

ગીર અને દેવળિયાની મોટી સંખ્યામાં પ્રવાસીઓએ લીધી મુલાકાત

જેમાં દિવાળીના વેકેશન દરમિયાન સૌથી વધુ ગીર અને દેવળિયામાં જીપ્સી અને બસ સફારી દ્વારા કુલ 60,661 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા જેના થકી આશરે રૂ.1.21 કરોડની આવક થઈ છે. ગત વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યા વધતાં કુલ આવક પણ 2025ના આશરે રૂ.1.15 કરોડથી વધીને 2026માં આશરે રૂ.1.21 કરોડ પર પહોંચી છે.

વન વિભાગની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ

આ ઉપરાંત, જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારી ખાતે ગત વર્ષ 2025ની સરખામણીએ વર્ષ 2026માં પ્રવાસીઓની સંખ્યા તેમજ વન વિભાગની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2026ના દિવાળી વેકેશન દરમિયાન એટલે કે તા. 9 થી 15 નવેમ્બર, 2026 દરમિયાન આ ત્રણેય સફારી સ્થળો પર કુલ 20,282 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ 2025ના દિવાળી વેકેશનમાં આ સંખ્યા 18,114 રહી હતી. આમ, પ્રવાસીઓની સંખ્યામાં અંદાજે 11.97 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે, વન વિભાગની કુલ આવક ગત વર્ષના રૂ.34 લાખથી વધીને આ વર્ષે રૂ.38 લાખ પર પહોંચી છે, જે અંદાજે 11.10 ટકાની સીધી વૃદ્ધિ દર્શાવે છે.

પ્રવાસીઓની સંખ્યામાં 68.13 ટકાનો ઉછાળો

સાસણગીર,ગિરનાર નેચર સફારી, દેવળીયા સફારી પાર્ક ઉપરાંત હવે અમરેલીના આંબરડી તેમજ પોરબંદરના બરડા સફારી જેવા વૈકલ્પિક પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં 68.13 ટકાનો ઉછાળો એ વન વિભાગની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ઈકો-ટુરિઝમની સફળતા દર્શાવે છે.

સ્થાનિક પરિવારોની આવકમાં સીધો વધારો થયો

પ્રવાસીઓની વધતી જતી અવરજવરને પરિણામે વન વિભાગની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ ઉદ્યોગ, હોમ-સ્ટે, સ્થાનિક હસ્તકલાના કારીગરો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક પરિવારોની આવકમાં સીધો વધારો થયો છે. સફારી પાર્કના માધ્યમથી પ્રવાસીઓ પ્રકૃતિ અને વન્યજીવોની નજીક આવી રહ્યા છે, જેનાથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ વધી રહી છે અને વન વિભાગને પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ વન્યજીવોના સંવર્ધન તથા પ્રવાસી સુવિધાઓના વધુ વિકાસ માટે થઈ રહ્યો છે.