મહીસાગર: ટ્રેક્ટરના ભાડા જેવી નજીવી બાબતે પિતાએ 33 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે આરોપીને ઝડપી લીધો

મહીસાગર જિલ્લાના સંતરામપુરના આંબા ગામમાં ટ્રેક્ટરના ભાડાની નજીવી બાબતે પિતાએ પોતાના 33 વર્ષના દીકરાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 16 Jul 2026 07:56 AM (IST)Updated: Thu, 16 Jul 2026 07:56 AM (IST)
mahisagar-father-kills-son-over-tractor-rent-dispute-arrested-by-police

Mahisagar murder: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં માત્ર ખેતર ખેડવાના નજીવા પૈસાની બાબતે થયેલી તકરારમાં એક પિતાએ પોતાના જ 33 વર્ષના જુવાનજોધ દીકરાની કુહાડીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી છે. ગુસ્સામાં પોતાના જ સંતાનનો ભોગ લેનાર આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેક્ટરના ભાડા બાબતે થઈ ઉગ્ર બોલાચાલી

ઘટનાની વિગત એવી છે કે, આંબા ગામે રહેતા રમેશભાઈ ભાવાભાઈ માલીવાડના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. 33) એ પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડાણ કરાવ્યું હતું. આ ટ્રેક્ટરનું ભાડું ચૂકવવાની બાબતે પિતા રમેશભાઈ અને પુત્ર અરવિંદ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ તકરાર દરમિયાન ગુસ્સામાં આવીને પુત્ર અરવિંદે પિતાને લાકડી મારી દીધી હતી અને ત્યારબાદ તે ઘરમાં જઈને ખાટલા પર સૂઈ ગયો હતો.

ઊંઘતા પુત્ર પર કુહાડીના ઘાતકી વાર કર્યા

પુત્રના હુમલાથી ઉશ્કેરાયેલા પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો. પુત્ર જ્યારે ખાટલા પર સૂઇ રહ્યો હતો, ત્યારે ગુસ્સે ભરાયેલા પિતા રમેશ માલીવાડે ઘરની આગળ પડેલી તીક્ષ્ણ કુહાડી ઉઠાવી લીધી હતી. પિતાએ ઊંઘતા પુત્ર પર કુહાડી વડે એકપછી એક ઘાતકી વાર કર્યા હતા. માથા, મોઢા અને છાતીના ભાગે કુહાડીના જીવલેણ ઘા ઝીંકીને પિતાએ પોતાના જ સગા પુત્રને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હત્યારા પિતા વિરુદ્ધ ગુનો દાખલ, પોલીસ સકંજામાં

આ ચકચારી ઘટના અંગે મૃતકની બહેન સુમિત્રાબેન ભુરીયાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી પિતા રમેશભાઈ માલીવાડ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-103(1) અને જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.