Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ઉંદરા ગામમાં ભેદી સંજોગોમાં દંપતીના મોતની ઘટના સામે આવી છે. જેમાં ઘર નજીક આવેલા કૂવામાંથી જ પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લુણાવાડા તાલુકાના વિરણીયા ઉંદરા ગામમાં રહેતા રાજેશ બારીયા (26) અને તેમના પત્ની ગીતા બારિયા (22)ના મૃતદેહ ઘર નજીક આવેલા કૂવામાં તરતા મળી આવ્યા હતા.
આ બાબતની જાણ થતાં ગ્રામજનો ઉપરાંત કોઠંબા પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.જ્યાં ફાયર બ્રિગેડની મદદથી બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
દંપતીએ કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે કે પછી કાવતરૂં રચીને તેમની હત્યા કરવામાં આવી છે, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો કોઠંબા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
