Mahisagar: રોંગ સાઈડ ડ્રાઈવિંગ ભારે પડ્યું, પાસપોર્ટ રીન્યૂઅલ અટકતાં કુવૈત સ્થાયી થયેલા યુવકે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

અરજદારે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ કેસની ટ્રાયલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંપૂર્ણ સહકાર આપશે અને ચુકાદા સમયે રૂબરૂ કોર્ટમાં હાજર રહેશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 26 Nov 2025 05:02 PM (IST)Updated: Wed 26 Nov 2025 05:02 PM (IST)
mahisagar-news-kuwait-settled-youth-knock-high-court-door-for-passport-renewal-644934
HIGHLIGHTS
  • મોહસીન સુરતી 2000ની સાલથી કુવૈતમાં વર્ક પરમિટ પર રહે છે
  • 2024માં રોંગ સાઈડમાં એક્ટિવા હંકારવા બદલ લુણાવાડા પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો

Mahisagar: મહીસાગર જિલ્લાના એક સામાન્ય ટ્રાફિક કેસે કુવૈતમાં વસવાટ કરતા એક મૂળ ભારતીય નાગરિક માટે ગંભીર સમસ્યા ઊભી કરી છે. 'રોંગ સાઈડ'માં એક્ટિવા ચલાવવાના ગુનાને કારણે તેમનું પાસપોર્ટ રીન્યુઅલ અટકી પડ્યું છે, જેના પગલે તેમણે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો છે.

મૂળ ભારતીય નાગરિક મોહસીન સુરતી વર્ષ 2000થી કુવૈતમાં વર્ક પરમિટ પર રહે છે અને તેમની પાસે ત્યાંનું સિવિલ આઈડી પણ છે. આ વર્ષે 2024માં જ્યારે તેઓ ભારત આવ્યા હતા, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથકે તેમની સામે રોંગ સાઈડમાં એક્ટિવા ચલાવી જનજીવનને જોખમમાં મૂક્યા બદલ ગુનો નોંધાયો હતો.

મોહસીને 7 ઓગસ્ટ, 2025ના રોજ કુવૈત સ્થિત ઇન્ડિયન એમ્બેસીમાં પાસપોર્ટ રીન્યુઅલ માટે અરજી કરી, પરંતુ તેમની અરજી નકારવામાં આવી. તેમને જાણવા મળ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમની વિરુદ્ધ હજી કેસ પેન્ડિંગ છે અને પાસપોર્ટ પ્રોસેસિંગ આગળ વધારવા માટે કોર્ટનો ઓર્ડર અથવા ક્લોઝર રીપોર્ટ રજૂ કરવો પડશે. પોલીસ ફરિયાદ સમયે એડવોકેટને ફી અને દંડ ચૂકવી દીધા હોવાથી મોહસીનને લાગ્યું હતું કે મામલો સમાપ્ત થઈ ગયો હશે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોહસીને તેમની પત્નીના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે દલીલ કરી કે પાસપોર્ટ વિના તેઓ કુવૈતમાં રહેવા અસમર્થ બનશે અને ડીપોર્ટેશન (દેશનિકાલ) તેમજ બ્લેકલિસ્ટ થવાનો ખતરો ઊભો થઈ શકે છે, જે તેમના જીવન નિર્વાહને સીધી અસર કરશે.

અરજદારે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ કેસની ટ્રાયલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંપૂર્ણ સહકાર આપશે અને ચુકાદા સમયે રૂબરૂ કોર્ટમાં હાજર રહેશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેમની સામે કોઈ લૂકઆઉટ નોટિસ જાહેર નથી કે તેમને ભાગેડુ જાહેર કરાયા નથી. તેમનો વર્તમાન પાસપોર્ટ 30 જાન્યુઆરી, 2026ના રોજ પૂરો થઈ રહ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને 4 અઠવાડિયામાં મોહસીનનો લેખિત ખુલાસો મેળવીને તેમના રીન્યુઅલ પર યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.

અરજદારે 10 વર્ષ માટે અથવા જો જરૂરી હોય તો ટૂંકા ગાળાના પાસપોર્ટની માંગ પણ રજૂ કરી છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે પાસપોર્ટ વિભાગનો નિર્ણય આગામી સમયમાં મોહસીનના કુવૈતમાં વસવાટ માટે અત્યંત મહત્વનો બની રહેશે.