Mahisagar Storm: વીરપુરમાં ફૂંકાયેલા તોફાની પવને વિનાશ વેર્યો, મજૂરો સાથેનું કન્ટેનર હાઉસ હવામાં ફંગોળાઈ ખાડામાં ખાબક્યું; 1નું મોત

મહીસાગરના વીરપુરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે એક અસ્થાયી કન્ટેનર હાઉસ પાણીથી ભરાયેલા ખાડામાં ખાબક્યું, જેમાં એક મજૂરનું મોત થયું અને પાંચ અન્ય મજૂરો ઘાયલ થયા છે. તેજ પવનના કારણે 66 કેવીનો હાઈ-ટેન્શન વીજ ટાવર પણ ધરાશાયી થઈ ગયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 06:53 PM (IST)Updated: Sat, 01 Aug 2026 06:53 PM (IST)
mahisagar-storm-container-house-blown-away-in-virpur-1-dead-and-5-critically-injured

Mahisagar Storm: મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં પડેલા ભારે વરસાદ અને ફૂંકાવાયેલા તોફાની પવનના કારણે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. વીરપુર-બારોડા કેનાલ નજીક સીમ વિસ્તારમાં મજૂરો માટે રહેણાંક તરીકે રાખવામાં આવેલું એક અસ્થાયી કન્ટેનર હાઉસ તીવ્ર પવનના કારણે ઊડીને નજીકના પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ સાથે જ જેટકોનો 66 KV હાઈટેન્શન વીજ ટાવર પણ ધરાશાયી થઈ ગયો હતો.

કન્ટેનર પાણી ભરેલા ખાડામાં ખાબકતા જૂનાગઢના એક મજૂરનું મોત

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વીરપુર-બારોડા નજીક સીમ વિસ્તારમાં રાખેલા રહેણાંક કન્ટેનર હાઉસમાં રહેતા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના વતની હતા અને રોજગારી અર્થે વીરપુર વિસ્તારમાં કેનાલ નજીકના કામ પર આવ્યા હતા.

મોડી રાત્રે અચાનક શરુ થયેલા ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે કન્ટેનર હાઉસે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને પવનના જોરથી ઊડીને બાજુના પાણી ભરેલા ખાડામાં જઈ પડ્યું હતું. દુર્ઘટના એટલી અચાનક બની કે, અંદર ઊંઘી રહેલા મજૂરોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહોતો.

આ ઘટનામાં 23 વર્ષીય યુવાન સંતોષભાઈ ગોવિંદભાઈ કલાડિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેના કારણે તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે દુર્ઘટનામાં ઘવાયેલા રોહિત અશોકભાઈ કલાડિયા (19), પ્રફુલ્લ મકવાણા (27), ઉમેશ જિકાભાઈ રાઠોડ (22), રવિભાઈ પ્રફુલભાઈ વિસનોડિયા (22) અને મેહુલભાઈ ગામેરા (22)ને તાત્કાલિક સ્થાનિકો અને તંત્રની મદદથી બહાર કાઢી વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતને ધ્યાને રાખી લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મજૂરોના રહેણાંક માટે મૂકવામાં આવેલા કન્ટેનર હાઉસની મજબૂતી અને સુરક્ષા ધોરણો અંગે તંત્રે તપાસ શરૂ કરી છે.


 

વીરપુરમાં તીવ્ર પવન સામે ટાવર પણ ટકી ના શક્યો

મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ફૂંકાતા તેજ પવનની વ્યાપક અસર હવે સીધી રીતે વીજ માળખા પર જોવા મળી રહી છે. વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક ખેતર વિસ્તારમાં ભારે પવનના દબાણને કારણે જેટકો નો 66 KVનો હાઈટેન્શન વીજ ટાવર અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.