બાલાસિનોર GIDCમાં SMCની મેગા રેડ, રૂપિયા 1.86 કરોડનો દારૂ-મુદ્દામાલ જપ્ત, 7ની ધરપકડ અને 16 ફરાર

મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે ઐતિહાસિક મેગા રેડ કરવામાં આવી છે. એક ગોડાઉનમાંથી રૂ. 1.56 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ રૂ. 1.86 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 12 Jul 2026 11:55 PM (IST)Updated: Sun, 12 Jul 2026 11:55 PM (IST)
smc-conducts-mega-raid-in-balasinor-gidc-liquor-and-contraband-worth-rupees-186-crore-seized-7-arrested-and-16-absconding

Mahisagar: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્ય સ્તરે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે મહીસાગરના બાલાસિનોર જીઆઈડીસીમાં આવેલા એક મોટા ગોડાઉનમાં વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ગોડાઉન પર અચાનક મોટો દરોડો પાડ્યો હતો. પોલીસના આ ઓપરેશનથી સ્થાનિક બુટલેગરો અને તેમના નેટવર્કમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ગોડાઉનમાંથી શું શું ઝડપાયું?

પોલીસે જ્યારે ગોડાઉનની અંદર તપાસ કરી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર સ્ટોક મળી આવ્યો હતો. ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 41,600 નંગ (બોટલ/ટીન) કબ્જે કરાયા છે. આ જથ્થાની અંદાજિત બજાર કિંમત આશરે રૂ. 1,56,24,850 થાય છે.

દારૂની હેરફેર કરવા અને માલ સપ્લાય કરવા માટે ગોડાઉન પાસે રાખવામાં આવેલા 3 વાહનો જપ્ત કરાયા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 8 નંગ મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબ્જે લેવામાં આવી છે.આ આ દરોડામાં દારૂ, વાહનો અને અન્ય ચીજો મળીને પોલીસે કુલ રૂ. 1,86,24,850નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

7 આરોપીઓની ધરપકડ અને 16 વોન્ટેડ

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 7 આરોપીઓ અને બે બાળ કિશોર ને ઝડપી પાડ્યા હતા.

જો કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનિષ મહેરા નામનો શખ્સ છે. આ મનિષ મહેરા અને કાનજી ઉર્ફે કાન્હો પરમાર સહિત કુલ 16 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ફરાર બુટલેગરો અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નવી કલમ-111 હેઠળ ગુનો દાખલ

આ કેસની સૌથી મોટી અને મહત્વની કાનૂની બાબત એ છે કે પોલીસે આ દારૂના કારોબારને સામાન્ય ગુનો ગણવાને બદલે એક આયોજિત નેટવર્ક ગણ્યું છે. આથી, દેશના નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-111 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂના મોટા નેટવર્ક પર આ કલમ લાગુ થવાને કારણે હવે મુખ્ય સૂત્રધારો અને તેની સાથે જોડાયેલા તમામ લોકો સામે કાયદાનો ગાળિયો ખૂબ જ મજબૂત બનશે અને કડક સજાની જોગવાઈ લાગુ થશે.

આગળની પોલીસ તપાસ

હાલ આ સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે,દારૂનો આટલો મોટો જથ્થો કયા રાજ્યમાંથી અથવા કઈ સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો? બાલાસિનોર જીઆઈડીસીનું આ ગોડાઉન કોની માલિકીનું છે અને કોના ઈશારે ભાડે રાખવામાં આવ્યું હતું? આ જથ્થો ગુજરાતના કયા-કયા જિલ્લાના સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરવાનો હતો?

ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા નામો પણ સામે આવી શકે છે.