UpdatedIST

Mehsana:મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારનો અસ્વીકાર, નિયમો તોડનારને દંડ; અમલમાં આવ્યું બેચરાજી 42 ક્ષત્રિય ઠાકોર સમાજનું નવું બંધારણ

મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ખાંભેલ ગામે એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 11 Feb 2026 09:29 AM (IST)Updated: Wed 11 Feb 2026 09:29 AM (IST)
becharaji-taluka-kshatriya-thakor-samaj-bandharan-for-economic-relief-689723
HIGHLIGHTS
  • બહુચરાજી તાલુકા ઠાકોર સમાજે નવું બંધારણ બનાવ્યું
  • ખાંભેલ ગામે બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું
  • બંધારણના નિયમોનો ભંગ કરનાર માટે દંડની જોગવાઈ

Bahucharaji Taluka Thakor Samaj: તાજેતરમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ઐતિહાસિક બંધારણનો અમલ કરવામાં આવ્યા હતો. જે બાદ હવે આ કડીમાં બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા પણ જોડાયો છે. બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક ભારણ ઘટાડવા માટે એક બંધારણ અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બહુચરાજી તાલુકા ઠાકોર સમાજની બંધારણ સભા  

મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ખાંભેલ ગામે મંગળવારના રોજ એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક ઉત્થાન માટે દેખાદેખીમાં કરાતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો બંધ કરવા સહિત 35 નિયમો બનાવવામાં આવ્યા હતા. વધુમાં, આ બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને સમાજ બહાર મૂકવા તેમજ રૂ. 51,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારનો સ્વીકાર નહીં  

બહુચરાજી તાલુકા ઠાકોર સમાજની બંધારણ સભામાં મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારને સમાજમાં નહીં સ્વીકારવા અને વર્ષમાં માત્ર મહા અને વૈશાખ મહિનામાં જ લગ્ન કરવા જેવા નિર્ણય કરવામાં આવ્યા હતા. સાથે જ કોઈપણ પ્રસંગમાં દારૂ કે નશાકારક પદાર્થોનો ઉપયોગ ન કરવા અંગે પણ નિયમ બનાવ્યો છે.

લગ્ન અને સગાઈ પ્રસંગના નવા નિયમો

બહુચરાજી તાલુકા ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ સગાઈ અને લગ્ન પ્રસંગોમાં અતિશય ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અનુસાર સગાઈમાં માત્ર 21 વ્યક્તિની હાજરી અને ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં આપવાનો નિર્ણય કર્યો છે.  આ ઉપરાંત, રાસ-ગરબાના કાર્યક્રમો રાત્રે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે અને બાબરી કે જન્મદિવસ જેવા પ્રસંગોએ ગરબા યોજવા પર રોક લગાવી છે.

લગ્ન પ્રસંગે જાનમાં વધુમાં વધુ 111 વ્યક્તિઓ અને વાહનોની સંખ્યા 11 સુધી સીમિત રાખવાનો નિયમ બનાવ્યો છે. આ ઉપરાંત સનરૂફવાળી ગાડી લાવવા અને રસ્તો રોકીને કતારો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભોજનમાં પણ મીઠાઈની સંખ્યા માત્ર એક જ રાખવાનો નિર્ણય કર્યો છે.  

નિયમોનો ભંગ કરનાર માટે દંડની જોગવાઈ

આ બંધારણ સભામાં વધુ એક મોટી જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સમાજે ઘડેલા નિયમોનો ભંગ કરનારને સમાજ બહાર મૂકવા અને રૂ. 51 હજાર સુધીનો દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિયમોના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિની રચના કરવામાં આવશે.

આ બંધારણ સભામાં ધારાસભ્ય સુખાજી ઠાકોર અને દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને ભરતજી ઠાકોર સહિત સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોરે જણાવ્યું કે, બેચરાજી 42 ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નવા બંધારણ બનાવી પસાર કરવામાં આવ્યું. ગરીબ વ્યક્તિ પણ સંતાનોના ઓછા ખર્ચે લગ્ન કરી શકે એની પહેલ સુખી, સમૃદ્ધ, નોકરિયાત માણસોથી શરૂઆત થાય.