Gujarat Elections 2026: ભાજપે ખેલ્યું 'ગ્લેમર કાર્ડ', લોકગાયિકા રાજલ બારોટ-નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, 'ઇન્સ્ટા સ્ટાર' અંકિતા પરમાર મેદાનમાં

આ ઉમેદવારો સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 11 Apr 2026 11:35 AM (IST)Updated: Sat 11 Apr 2026 11:35 AM (IST)
bjp-glamorous-candidates-rajal-barot-ankita-parmar-neha-suthar-in-gujarat-local-elections-2026-726025
HIGHLIGHTS
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
  • ચૂંટણીમાં ભાજપે ખેલ્યું ગ્લેમર કાર્ડ
  • રાજલ બારોટ-અંકિતા પરમાર મેદાને

BJP Election Celebrity Candidate: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાની વ્યૂહરચના બદલી હોય તેમ જણાય છે. પરંપરાગત રાજકારણીઓને બદલે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા ધરાવતા ચહેરાઓને પ્રાધાન્ય આપીને ભાજપે આ વખતે ચૂંટણીમાં 'ગ્લેમર કાર્ડ' ખેલ્યું છે.

લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી

ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભાજપે ગ્લેમરનો તડકો લગાવ્યો છે. ગુજરાતની જાણીતી લોકગાયિકા અને સ્વ. મણીરાજ બારોટની પુત્રી રાજલ બારોટ (રાજલ અલ્પેશભાઈ બાંભણીયા) હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભાજપે ઉનાની પુત્રવધૂ એવી રાજલ બારોટ પર વિશ્વાસ મૂકીને તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

ઉના પંથકમાં રાજલ બારોટ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેઓ આજે વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધુ રાજલ સ્થાનિક સ્તરે મોટું સમર્થન મળે તેવી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભુત્વના સમન્વય સાથે તેમને મેદાને ઉતાર્યા છે.

'ઇન્સ્ટા સ્ટાર' અંકિતા પરમાર, 1M ફોલોઅર્સ 

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોર બેઠક પરથી 'ઇન્સ્ટાગ્રામ સ્ટાર' અંકિતા પરમારને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા છે. 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અંકિતા માત્ર ગ્લેમર પૂરતી સીમિત નથી, પરંતુ તેમની પાસે શિક્ષણ અને વહીવટી અનુભવનું સચોટ મિશ્રણ છે.

કાયદાના સ્નાતક (LLB) અંકિતા પરમાર ભૂતકાળમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સફળ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ માટે પાયાનું કામ કર્યું છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે.

ગ્લેમરસ ગાયિકા નેહા સુથાર ચૂંટણી મેદાને

આ ઉપરાંત, મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક માટે ભાજપે નેહા સુથાર પર પસંદગી ઉતારી છે. નેહા સુથાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખૂબ જ જાણીતું નામ છે. નેહા સુથાર ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેઓ ગુજરાતી સંસ્કૃતિ, ટ્રેડિશનલ આઉટફિટ્સ અને જીવનશૈલીને લગતી રિલ્સ માટે જાણીતા છે.

સોશિયલ મીડિયા પર તેમની મજબૂત પકડને કારણે ભાજપે તેમને યુવા અને મહિલા મતદારોને આકર્ષવા માટે મેદાનમાં ઉતાર્યા છે. વધુમાં, નેહા સુથાર ગાયિકા અને કલાકાર છે. ચૂંટણીના થોડા સમય પહેલા જ તેમણે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ઈન્ફ્લુએન્સર હોવાને નાતે તેઓ યુવાનો સાથે સીધો અને સહજ સંવાદ સાધી શકે છે.

ભાજપની નવી વ્યૂહરચના પાછળના કારણો

સ્થાનિક ચૂંટણીમાં ભાજપની આ નવી રણનીતિ પાછળ ત્રણ મુખ્ય પાસાઓ રહેલા છે.

  • યુવા મતદારો પર નજર: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ટિકિટ આપીને ભાજપ ખાસ કરીને ડિજિટલ યુગના યુવા મતદારોને આકર્ષવા માંગે છે.
  • લોકપ્રિયતાનો લાભ: આ ઉમેદવારોના સોશિયલ મીડિયા પર લાખોમાં ફોલોઅર્સ હોવાથી પક્ષને પ્રચાર કાર્યમાં કુદરતી રીતે જ મોટો ફાયદો મળે છે.
  • એન્ટી-ઇન્કમ્બન્સીને રોકવા: સત્તા વિરોધી લહેરને ખાળવા માટે પક્ષે જાણીતા પણ બિન-રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા નવા ચહેરાઓને તક આપી છે.

રાજલ બારોટ, અંકિતા પરમાર અને નેહા સુથાર જેવા ઇન્ફ્લુએન્સર્સની રાજકારણમાં એન્ટ્રીથી આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ "ગ્લેમરસ" અને "ડિજિટલ" બની છે. આ ચૂંટણીઓમાં ગ્લેમર અને લોકપ્રિયતા કેટલી સફળ નીવડે છે તેના પર સૌની નજર રહેશે, ખાસ કરીને વડોદરા અને ઉના જેવી બેઠક પર રસાકસી જામવાની પૂરી શક્યતા છે.