Bogus Marriage Registration Scam: ઉત્તર ગુજરાતના સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામની એક યુવતીના ગુમ થયાના બનાવની તપાસ દરમિયાન પંચમહાલના કણજીપાણી ગામે ચાલતા બોગસ લગ્ન નોંધણી કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. માધુપુરા ગામના અમૃતભાઈ પટેલની 22 વર્ષીય દીકરી જયશ્રી, જે બ્યુટી પાર્લરના ઓર્ડરનું કહીને 14 નવેમ્બરે નીકળી હતી, તેણે ઉનાવાના એક યુવક સાથે લગ્ન કરી વિજાપુર પોલીસ મથકે હાજર થઈ હોવાની જાણકારી મળી હતી.
3 કલાકમાં છેક પંચમહાલ પહોંચી સહીઓ કેવી રીતે થઈ?
જયશ્રીના પિતાએ જ્યારે લગ્ન પ્રમાણપત્રની તપાસ કરી ત્યારે તેમાં ભારે વિસંગતતાઓ જોવા મળી હતી. રેકોર્ડ મુજબ, ઊંઝા મામલતદાર કચેરીમાંથી બપોરે 2:35 કલાકે સ્ટેમ્પ લેવામાં આવ્યો હતો અને તેના માત્ર 3 કલાકમાં એટલે કે સાંજે 4:00 કલાકે છેક પંચમહાલના કણજીપાણી ગ્રામ પંચાયતમાં લગ્ન રજીસ્ટ્રેશન કરાવી દેવાયું હતું. ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધીનું અંતર જોતા આટલા ટૂંકા સમયમાં ત્યાં પહોંચી સહીઓ કરવી અશક્ય હોવાથી આ રજીસ્ટ્રેશન બોગસ હોવાનું સ્પષ્ટ થયું છે.
સક્રિય ગેંગ અને અધિકારીઓની મિલીભગતની આશંકા
દિકરીના પિતાએ કણજીપાણી પંચાયતના તલાટી પાસેથી કાગળો મેળવી તપાસ કરતા હકીકત સામે આવી હતી કે કાયદાની છટકબારીઓનો લાભ લઈને આ બોગસ નોંધણી કરવામાં આવી છે. આ મામલે હવે જાંબુઘોડા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. પોલીસને શંકા છે કે આમાં ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધી સક્રિય એક મોટી ગેંગ, ગોર મહારાજ અને તલાટીની મિલીભગત હોઈ શકે છે.
આ કૌભાંડના ખુલાસા બાદ રાજ્યભરમાં પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરનારા યુગલો માટે કણજીપાણી પંચાયત કઈ રીતે 'એપી સેન્ટર' બની છે, તે દિશામાં સરકારે કડક તપાસની માંગણી કરવામાં આવી છે.
