Menaba Rotary Multi Specialty Hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઊંઝા ખાતે 10 વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે દાતાઓને સન્માનિત કર્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ સાબિત થશે.

PM મોદીના વિઝનથી અંતરિયાળ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો, જેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. તેમણે આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનોને બિરદાવતા કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. ગુજરાતમાં અગાઉ 1,175 મેડિકલ સીટો હતી, જેમાં થયેલા માતબર વધારાના કારણે હવે અંતરિયાળ ગામડાઓમાં પણ ડોક્ટરોની સુવિધા સરળતાથી મળતી થઈ છે.

આયુષ્માન કવચ હેઠળ ₹10 લાખની મફત સારવાર
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના હેઠળ ₹5 લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે તેમાં વધુ ₹5 લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ ₹10 લાખનું આરોગ્યરક્ષા કવચ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે હવે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થતાં ગંભીર રોગોની સારવાર માટે લોકોને દૂર જવું પડતું નથી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલના વ્યૂહાત્મક સ્થાનને કારણે રોડ અકસ્માત જેવી ક્રિટિકલ આપદામાં તે મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલની સુવિધાઓ
1 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્માણ પામનાર આ અત્યાધુનિક હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ હશે:
- બેડ અને આઈસીયુ: 200થી વધુ બેડ અને 20 આઇસીયુ બેડ
- વિશેષ વિભાગો: જનરલ મેડિસિન, ન્યુરો અને સ્પાઇન, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજી, ઓન્કો સર્જન, ક્રિટિકલ કેર, પ્રસૂતિ અને સ્ત્રીરોગ.
- આધુનિક સગવડો: 4 ઓપરેશન થિયેટર, 20 સ્પેશિયાલિટી ક્લિનિક્સ, IVF, NICU-PICU, કીમોથેરાપી સેન્ટર અને ગાયનેક લેબર રૂમ.
- 24/7 સેવાઓ: ફાર્મસી, લેબોરેટરી, સીટી સ્કેન, ડિજિટલ એક્સ-રે, બ્લડ બેંક અને 'ICU ઓન વ્હીલ્સ'
