Mehsana BJP Candidate: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ચહલ-પહલ જોવા મળી રહી છે, ત્યારે પાયાના અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને મહત્ત્વ આપવા માટે જાણીતી ભાજપના એક નિર્ણયની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં મહેસાણા સ્થિત ભાજપ કાર્યાલયના ઑફિસ બૉયને ટિકિટ આપીને સૌ કોઈને વિચારતા કરી મૂક્યા છે.
હકીકતમાં મહેસાણાના ભાજપ કાર્યાલયમાં છેલ્લા 27 વર્ષથી પટ્ટાવાળા તરીકે કામ કરતાં રમેશભાઈ ભીલને પાર્ટીએ મહેસાણા મનપાના વોર્ડ નંબર 13થી ટિકિટ આપતા આજે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ તકે રમેશભાઈ ભીલે જણાવ્યું કે, હું છેલ્લા 27 વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. ભાજપે મને ટિકિટ આપી, તેનાથી હું ખૂબ જ ખુશ છું. મને વિશ્વાસ છે કે, અમે જીતી જઈશું.
ભાજપે મારા જેવા એક નાના કાર્યકરની કદર કરી છે. મને ટિકિટ આપીને ભાજપે મારા જેવા અનેક કાર્યકરોને ઉત્સાહિત કર્યાં છે. હવે મારું લક્ષ્ય જનતાની સેવા કરવાનું રહેશે. મને ટિકિટ મળવા છતાં પણ મેં મારું રોજનું જે કામ છે, તે ચાલું જ રાખ્યું છે. આજે પણ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મેં કાર્યાલયમાં સૌને ચા-પાણી કરાવ્યા હતા.
વધુમાં રમેશભાઈએ જણાવ્યું કે, તેઓ કોર્પોરેટર બની જશે, તો પણ ભાજપ કાર્યાલયમાં પોતાનું પટ્ટાવાળા તરીકે લોકોને ચા-પાણી કરાવવાનું કામ અકબંધ રાખશે. મને મારા કામમાં કોઈ નાનપ નથી.
ભાજપ નેતાઓની નહીં, કાર્યકર્તાઓની પાર્ટી છે: ધારાસભ્ય
પાર્ટીના નિર્ણય અંગે વાત કરતાં મહેસાણાના ધારાસભ્યએ આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારી પાર્ટી માત્ર નેતાઓની જ નથી, પરંતુ કાર્યકર્તાની પાર્ટી છે. અમારી કમલમ ઑફિસમાં 25થી વધુ વર્ષોથી ઑફિસ બૉય તરીકે સેવા આપતા નિષ્ઠાવાન કાર્યકર રમેશભાઈ ભીલને અમે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેઓ વિકાસ યાત્રામાં જોડાયા, તે અમારા માટે ગર્વની વાત છે. મને પુરો વિશ્વાસ છે કે, અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટણી જીતી જશે.
