Mehsana News: મહેસાણા જિલ્લાના કડી પંથકમાં લોન અપાવવાના નામે લાખોની ઠગાઈ આચર્યો હોવાની ઘટના બની છે. કડી તાલુકામાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ખેલ પાડીને પીડિત સાથે ઠગાઈ કરી છે. આ મામલે પીડિતે ફાઇનાન્સ કંપનીના મેનેજર અને એક અન્ય ઈસમ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
લોન અપાવવાને નામે ઠગાઈ
મળતી વિગત મુજબ, કડી તાલુકાના ઝુલાસણ ગામના મોતીભાઈ પ્રજાપતિને તેમના દીકરાના ઘર પર લોન લેવી હતી. આ માટે તેઓ પ્રયાસો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના લોકો સાથે થયો હતો. કંપનીના કર્મચારી નીલ મહેતા અને અજય દંતાણીએ પીડિતને લોન કરાવી આપીશું તેવી લાલચ આપી હતી.
12 લાખ પડાવી લીધા
લોન મંજૂર કરાવવા માટે પૈસા જોઈશે એમ જણાવીને તેમની પાસેથી 1.5 લાખ રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપીઓએ પીડિતને સબ રજિસ્ટ્રાર કચેરીમાં લઈ જઈને 12 લાખની સરકારી લોન લેવડાવી હતી. જોકે આ રકમ પીડિતને મળી નહોતી. આરોપીઓએ આ રકમ પોતાની પાસે રાખી લીધી હતી. આ બાબતની જાણ પીડિતને થતાં તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
પીડિતે પોલીસ ફરિયાદ નોધાવી
પીડિત મોતીભાઈ પ્રજાપતિએ હાઈસિંગ ફાઈનાન્સના બ્રાન્ચ મેનેજર નીલ મહેતા અને અજય દંતાણી વિરુદ્ધ કડી પોલીસ મથકમાં FIR દાખલ કરાવી છે. પોલીસે આ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
