Halvad Rain Update: મોરબી જિલ્લાના હળવદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. હળવદમાં સાર્વત્રિક ૫ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ચારેકોર 'પાણી જ પાણી'ના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને પગલે તાલુકાના રણમલપુર ગામની હાલત કફોડી બની છે અને આખું ગામ જળમગ્ન બની ગયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હળવદના રણમલપુર ગામમાં અતિભારે વરસાદના કારણે ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. શેરીઓ જાણે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી અને અનાજને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચારેતરફ પાણી ભરાઈ જવાના કારણે રણમલપુર ગામ અન્ય વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે.
ગામમાં જળબંબાકારની સ્થિતિને પગલે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પાયાની જરૂરિયાતો માટે પણ વલખાં મારી રહ્યા છે.
આવી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામની મુલાકાત લઈ સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્તોને વહેલી તકે યોગ્ય રાહત-બચાવ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. હાલ તો રણમલપુરના રહીશો તંત્રની મદદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
