Morbi: વાંકાનેરના મહિકા ગામે પંચાયતની જમીન ઉપર લીઝ રાખી 50 વર્ષથી ખેતી કરતાં પરિવારને ખનીજ માફીયાઓેએ ‘આ લીઝ અમારી છે ખાલી કરી જતાં રહો’ તેમ કહી અવારનવાર ધાક ધમકી આપી મારકૂટ કરતાં હતાં. ખનીજ માફીયાઓના ત્રાસથી કંટાળી ત્રણ કૌટુંબિક ભાઈઓએ વાડીએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે અન્ય બે યુવકની હાલત પણ ગંભીર છે.
ખનીજ માફીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે અને ખનીજ માફીયાઓ સાથે મામલતદાર સાંઠગાંઠ ધરાવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતાં કલ્પેશભાઈ વિનોદભાઈ બાંભણીયા (ઉ.23), તેનો નાનો ભાઈ વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.20) અને કૌટુંબિકભાઈ યશ હરીભાઈ બાંભણીયા (ઉ.18) ગઈકાલે સવારના અરસામાં મહિકા ગામની સીમમાં નદીકાંઠે આવેલી પોતાની વાડીએ હતાં, ત્યારે ત્રણેય યુવાન સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્રણેય યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યશ બાંભણીયાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સગા બે ભાઈઓની હાલત પણ હાલ ગંભીર છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યશ બાંભણીયા બે ભાઈમાં મોટો છે અને તેના પિતા માનસિક બિમારીમાં સપડાયા છે. સારવાર લઈ રહેલા કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઈ બાંભણીયા પંચાયતની જમીન 50 વર્ષથી લીઝ પર રાખી ખેતી કામ કરે છે અને પંચાયતને આ જમીનનું રૂા.15 ભાડુ ચુકવે છે. આ વિસ્તારમાં નદી કાંઠે ખનીજ માફીયાઓએ લીઝ રાખી હોય અને તેમની ખેતીની જમીન પચાવી પાડવા માટે છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતાં હોય ખનીજ માફીયાઓ આ રેતીની લીઝ અમારી છે. તમે ખાલી કરીને જતાં રહો તેમ કહી અવારનવાર ધાક ધમકી આપી મારકુટ કરતાં હતાં. ખનીજ માફીયાઓના ત્રાસથી કંટાળી ત્રણેય કૌટુંબીક ભાઈઓએ સજોડે ઝેરી દવા પી લેતાં યશ બાંભણીયાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ખનીજ માફીયાઓના ત્રાસથી ત્રણ યુવકે સજોડે ઝેરી દવા પી લેતાં એક યુવકનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે કોળી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મૃતક યુવકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ, મામલતદાર ભરત વિઠ્ઠલ ચાવડા, વિઠ્ઠલ મોતી ચાવડા, ગોબર ભરવાડ, સરપંચ હનીફ આમદ બાદી સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં નહીં આવે તો લાશ સ્વિકારવાનો પરિવાર દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે તાત્કાલીક પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
