મોરબી કલેક્ટર એક્શન મોડમાંઃ મચ્છુ 2 ડેમ અને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી; પાણીની ભારે આવક થતાં ડેમના 12 દરવાજા 10 ફૂટ ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ, જેના પગલે 12 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ડેમ અને કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ફોન ન લાગવાની ફરિયાદો દૂર કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 08:02 PM (IST)Updated: Sat, 01 Aug 2026 08:02 PM (IST)
morbi-rain-update-collector-visited-machhu-2-dam-and-control-room-12-gates-opened-up-to-10-feet

Morbi Rain Update: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મચ્છુ-2 ડેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

પાણીના ધસમસતા પ્રવાહને પગલે હાલ ડેમની સપાટી જાળવી રાખવા માટે મચ્છુ-2 ડેમના 12 દરવાજા 10 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Vadodara Rain: ભારે વરસાદને પગલે દેવ ડેમની જળસપાટીમાં સતત વધારો, 4 દરવાજા ખોલાયા; નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

બીજી તરફ આપત્તિના આ સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન ન લાગતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

આ ફરિયાદોને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાત્કાલિક કંટ્રોલ રૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરે કંટ્રોલ રૂમની ટેકનિકલ ખામીઓ અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી કડક તાકીદ કરી હતી જેથી નાગરિકોના ફોનનો તુરંત પ્રતિસાદ આપી શકાય.

આ ઉપરાંત, કલેક્ટર દ્વારા સમગ્ર વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વરસાદ અને પૂરના કારણે જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે તેમની તાત્કાલિક નોંધ લેવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સત્વરે મદદ પહોંચાડવા અને રાહત-બચાવની તમામ કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવા માટે પણ આદેશો જારી કરવામાં આવ્યા છે.