Morbi Mysterious Well: મોરબી તાલુકામાં આવેલા વીરપરડા ગામમાં છેલ્લા બે દિવસથી એક અત્યંત વિચિત્ર અને રહસ્યમય ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ખેડૂતના કૂવામાં કોઈપણ બાહ્ય પરિબળ વિના પાણીમાં અચાનક ઉઠેલા મોજાંએ સમગ્ર પંથકમાં આશ્ચર્ય અને કુતૂહલ જગાવ્યું છે.
એક જ કૂવામાં હલચલ, પાડોશી કૂવાઓ શાંત
પ્રાપ્ત વિગતો અનુસાર, વીરપરડા ગામમાં મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા ખેડૂત પ્રાણજીવનભાઈ લીંબાભાઈ સદારીયાના ખેતરના કૂવામાં પાણી અચાનક જ મોજાની જેમ એક તરફથી બીજી તરફ હિલોળા લઈ રહ્યું છે.
આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, પ્રાણજીવનભાઈના ખેતરની આસપાસ આવેલા અન્ય કોઈપણ ખેતરના કૂવામાં કે બોરવેલમાં આવો કોઈ જ બદલાવ જોવા મળ્યો નથી. પાડોશી ખેતરોના કૂવાઓનું પાણી એકદમ સ્થિર અને શાંત છે, જ્યારે આ કૂવાનું પાણી છેલ્લા બે દિવસથી જરા પણ શાંત પડ્યું નથી.
રહસ્ય જોવા માટે ટોળેટોળા ઉમટ્યા
કૂવામાં થતી આ અસામાન્ય હલચલને જોવા માટે માત્ર વીરપરડા જ નહીં, પરંતુ આસપાસના ગામોમાંથી પણ લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. લોકો કૂવાના કાંઠે ઊભા રહીને આ અદભુત દ્રશ્યને નિહાળી રહ્યા છે અને પોતાના સ્માર્ટફોનમાં ઘટનાના વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ રહસ્યમય હિલચાલના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ભૂકંપ કે પછી મોટી આફતનો સંકેત?
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં કુતૂહલની સાથે સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગામના વડીલોના મતે, જ્યારે પણ ભૂગર્ભ જળમાં આવી અસામાન્ય હિલચાલ જોવા મળે છે, ત્યારે તે કોઈ મોટી અને અઘટિત ઘટનાના સંકેત હોઈ શકે છે. હાલ તો આ કૂવાનું પાણી કેમ હલી રહ્યું છે તે એક રહસ્ય છે, પરંતુ ભૂગર્ભમાં રહેલી કોઈ પ્રચંડ ઊર્જા પાણીને ધક્કો મારી રહી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
મોરબી પંથકે ભૂતકાળમાં વિનાશક ભૂકંપ અને મચ્છુ ડેમ હોનારત જેવી મોટી આપત્તિઓનો સામનો કર્યો હોવાથી, લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે આ હિલચાલ કોઈ પ્રાકૃતિક આપત્તિ કે ધરતીકંપ આવવાની પૂર્વ ચેતવણી હોઈ શકે છે. તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
