Morbi News: જ્યાં લગ્ન કે સગાઈ જેવા પ્રસંગોમાં લોકો ગજા બહારના ખર્ચા કરીને દેખાદેખીમાં દેવામાં ડૂબી જાય છે, ત્યાં મોરબીના વણકર સમાજે એક બેમિસાલ સામાજિક પરંપરા સ્થાપિત કરીને પ્રેરણા આપી છે. આ સમાજ પોતાના દીકરા કે દીકરીનું સગપણ માત્ર 'અડધી ચા' માં જ સાદાઈથી સંપન્ન કરે છે. સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને બોધપાઠ પૂરો પાડતી આ પ્રથા આજના મોંઘવારીના જમાનામાં કલ્પનાશીલ લાગે, પરંતુ આ હકીકત છે. વણકર સમાજ સંતાનોની સગાઈ ઘરે નહીં, પરંતુ કેસરબાગ જેવા જાહે૨ સ્થળે કરે છે.

કેસરબાગમાં સાદાઈથી વિધિ
સગાઈ પહેલાં બંને પક્ષ દીકરા-દીકરી, ઘર, પરિવારના સંસ્કારો અને સામાજિક ઢાંચો જોઈને કેસરબાગમાં સગાઈ કરવાનું નક્કી કરે છે. આમાં કોઈ આમંત્રણ પત્રિકા છપાતી નથી, પરંતુ સગા-સંબંધીઓને રૂબરૂ અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવે છે. નક્કી કરેલી તારીખે બંને પક્ષના લોકો કેસરબાગમાં એકઠા થાય છે.

જાણો સામાજીક આગેવાને શું કહ્યું?
સામાજિક અગ્રણીઓએ જણાવ્યું કે, તેમનો સમાજ આજે પણ એકદમ સાદાઈથી સગાઈ વિધિ કરે છે. આ પ્રસંગમાં હાજર રહેલા લોકો માટેના ચા-પાણીનો ખર્ચ પણ બંને પક્ષો દ્વારા વહેંચી લેવામાં આવે છે.

જોકે, જાગૃત આગેવાનના જણાવ્યા મુજબ પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે અને જમાના પ્રમાણે પરંપરામાં થોડું પરિવર્તન આવ્યું છે. હવે સગાઈમાં ભાવિ વરરાજાને હાજર રખાય છે, પરંતુ કન્યા કે અન્ય સ્ત્રીઓ હજુ પણ હાજર રહેતી નથી. આ અનોખી પ્રથા સમાજને બિનજરૂરી ખર્ચાઓમાંથી મુક્ત રાખે છે.
