ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ: મહુધાના સાપલાની 9 વર્ષની બાળકીનું મોત

ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ સામે આવ્યો છે, જેમાં સાપલા ગામની 9 વર્ષની બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આરોગ્ય વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તકેદારીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જેમાં જંતુનાશક છંટકાવ અને ફોગિંગનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 29 Jul 2026 09:41 PM (IST)Updated: Wed, 29 Jul 2026 09:41 PM (IST)
first-fatal-case-of-chandipura-virus-in-kheda-district-9yearold-girl-from-mahudhana-saplani-dies

 Nadiad News: ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ સામે આવતા સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાપલા ગામની 9 વર્ષની એક માસુમ બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું છે. તાલુકામાં આ વાયરસથી નોંધાયેલું આ પ્રથમ મૃત્યુ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી શાલીનીબેન ભાટિયાના જણાવ્યા અનુસાર, બાળકીને રાત્રિના સમયે અચાનક તાવ, ઊલટી અને ખેંચની સમસ્યા ઊભી થઈ હતી. તબિયત લથડતાં તેને સોમવારે પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સ્થિતિ વધુ ગંભીર બનતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં બુધવારે વહેલી સવારે આશરે 3 વાગ્યે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મકાન બહાર આવેલ તબેલો અને કાચા મકાનોની હાજરી આ બીમારીનું કારણ બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બાળકીના મૃતદેહને સાપલા ગામે લાવવામાં આવ્યા બાદ મેડિકલ ટીમની પ્રત્યક્ષ હાજરીમાં નિર્ધારિત માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાપલા ગામે દોડી આવ્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાપલા તેમજ આસપાસના ગામોમાં જંતુનાશક પાવડરનો છંટકાવ શરૂ કરાયો છે. તદુપરાંત, વાયરસ ફેલાવતી સેન્ડફ્લાય અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે આગામી બે દિવસ દરમિયાન ખાસ ફોગિંગ અને કેમિકલ સ્પ્રે કરવાની વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું છે. મચ્છર અને કીટકોનો ઉપદ્રવ અટકાવવા દીવાલોની તિરાડો પૂરવા સહિતની કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.