Gujarat local body election 2026: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના સામે આવી છે.
અહીં પક્ષીય રાજકારણ પર સ્થાનિક પ્રશ્ન અને જનજુવાળ ભારે પડ્યો છે. તાલુકા વિભાજનના વિરોધમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ ઉમેદવારોએ સામૂહિક રીતે ફોર્મ પરત ખેંચી લેતા હવે આ બેઠક પર ચૂંટણી જ નહીં યોજાય.
ચિખલોડ બેઠક પર સર્જાયેલા આ અભૂતપૂર્વ 'ખેલ' પાછળ સીમાંકનનો વિવાદ જવાબદાર છે. અગાઉ ચિખલોડ ગામ કપડવંજ તાલુકાનો ભાગ હતું. જો કે સરકાર દ્વારા નવરચિત ફાગવેલ તાલુકામાં ગામનો સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે, તેમને ફરીથી મૂળ કપડવંજ તાલુકામાં જ રાખવામાં આવે. આ માગણીને લઈ અગાઉ ઉપવાસ આંદોલનો પણ થયા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું હતું.
ઉમેદવારોએ પણ આપ્યું સમર્થન
ગ્રામજનોના વિરોધના સમર્થનમાં તમામ પક્ષોના ઉમેદવારો એકજૂથ થયા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે:
- ભાજપ: ભાવનાબેન પરમાર
- કોંગ્રેસ: સોનલબેન પરમાર
- અપક્ષ: ઈલાબેન શર્મા અને ધ્રુમાબેન શર્મા
આ ચારેય મહિલા ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો.
ચૂંટણી અધિકારીએ આ ઉમેદવારોને લોકશાહીની પ્રક્રિયા જાળવી રાખવા માટે લાંબી સમજાવટ કરી હતી, પરંતુ ગ્રામીણ એકતા સામે તંત્રની તમામ દલીલો નિરર્થક સાબિત થઈ હતી.
ભાજપનો ચાર બેઠકો પર બિનહરીફ વિજય
એકતરફ ચિખલોડમાં ચૂંટણી રદ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતની ૪ બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા ભાજપે અત્યારથી જ ભગવો લહેરાવી દીધો છે. આ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ગુજરાતના રાજકારણમાં સામાન્ય રીતે ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે, ત્યારે ચિખલોડની આ ઘટનાએ સાબિત કર્યું છે કે જનતાની લાગણી અને સ્થાનિક પ્રશ્નો રાજકીય પક્ષોના એજન્ડા કરતા પણ વધુ મજબૂત હોઈ શકે છે. હાલ તો સમગ્ર જિલ્લામાં ચિખલોડની આ 'નો-ઇલેક્શન' સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
