Kheda: નડિયાદ તાલુકાના આનંદપુરા ગામે તાજેતરમાં એક વિશેષ મુલાકાતે ગામજનોમાં ઉત્સાહ જગાવ્યો હતો. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આનંદપુરા પ્રાથમિક શાળા નજીક કાર્યરત સેવા સંસ્થાના કેન્દ્રની મુલાકાત લઈને અહીં ચાલી રહેલા મહિલા સશક્તિકરણ અને ગ્રીન એનર્જી આધારિત પ્રકલ્પો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમની સાથે વિવિધ દેશોના પ્રતિનિધિઓનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યું હતુ.
આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થા દ્વારા ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે હાથ ધરાયેલી પહેલોને નજીકથી નિહાળી. ખાસ કરીને સૌર ઉર્જા અને અન્ય વૈકલ્પિક ઉર્જા સાધનોના ઉપયોગથી દૈનિક જીવનમાં આવેલા પરિવર્તનો અંગે તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો. પરંપરાગત બળતણના સ્થાને સ્વચ્છ ઉર્જા અપનાવવાથી આરોગ્યમાં થતા સુધારા અને ધુમાડામુક્ત રસોઈના ફાયદા વિશે મહિલાઓએ પોતાના અનુભવ રજૂ કર્યા.
GUJiPEDiA: 'મને વ્હાલી મારી ગુજરાતી..', માતૃભાષાના જતન માટે હાઈ-પ્રોફાઈલ જૉબ છોડીને 5 દીકરીઓએ શરૂં કર્યું અનોખું સ્ટાર્ટઅપ
સેવા સંસ્થાએ મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તાલીમ અને આર્થિક પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ આયોજન કર્યું હતું. ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને શારીરિક મહેનતમાં ઘટાડો અને ઘરેલુ ખર્ચમાં બચત કેવી રીતે શક્ય બને છે, તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. હિલેરી ક્લિન્ટને સ્થાનિક બહેનોની કાર્યદક્ષતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી અને આવા મોડેલને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી.

વિદેશી મહાનુભાવોની હાજરીને પગલે ગામમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક રહ્યું હતું. ગ્રામજનોમાં પણ આ ઐતિહાસિક મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આનંદપુરામાં અમલમાં મૂકાયેલા ગ્રીન એનર્જી આધારિત પ્રયાસોથી ગ્રામ્ય અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું નોંધાયું છે. મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનતાં પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
