Kheda: કપડવંજની હોટેલના પાર્કિંગમાંથી રુ. 54 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું, 2 શખ્સોની અટકાયત

SMC ગાંધીનગરની ટીમે કપડવંજ-મોડાસા રોડ પર તિરંગા હોટલ પાર્કિંગમાંથી ₹54.58 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર જપ્ત કર્યો

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 11 Apr 2026 11:08 AM (IST)Updated: Sat 11 Apr 2026 11:09 AM (IST)
kheda-news-kapadvanj-54-lakh-worth-liquor-seizure-smc-container-sting-726006

Kheda News: ખેડા જિલ્લામાં અગાઉ પણ પોલીસ દ્વારા દારુનો મોટો જથ્થો ઝડપાયો છે.ત્યારે SMC ટીમ દ્વારા સતત બીજા દિવસે પણ કપડવંજ-મોડાસા રોડ પાસે આવેલા તિંરંગા હોટલના પાર્કિંગમાંથી એક કન્ટેનરમાંથી રુ.54.58 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી લઈને કડક પૂછપરછ કરી હતી. ઘટનાને પગલે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

SMC ટીમે દારુ ભરેલુ કન્ટેનર ઝડપી લીધું

ગાંધીનગર SMC ટીમને મળેલી બાતમીને આધારે કપડવંજના પાંખિયાથી મોડાસા તરફ જતા સ્ટેટ HN-59ની બાજુમાં આવેલી તિરંગા હોટલના પાર્કિંગમાં દરોડો પાડતા દારુનો માતબર જથ્થો ઝડપાયો હતો. કન્ટેનરમાં ડ્રાઈવર અને ક્લિનર મળી આવતા તેમની ધરપકડ કરી લેવાઈ હતી. જેમાં પોલીસ દ્વારા કન્ટેનરની તપાસ કરતાં મોટી માત્રામાં વિદેશી દારુ મળી આવ્યો હતો.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો

SMC ટીમની ફરિયાદ મુજબ કપડવંજ ગ્રામ્ય પોલીસે રુ.54,58 લાખની કિંમતનો વિદેશી દારુ, રોકડ રુ 2400, ક્ન્ટેનર રુ 25 લાખ, મોબાઈલ નંગ 3 કિંમત રુ 90 હજાર, અને પાણીની બોટલ રુ 19,200 મળી કુલ 80.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત કરીને દારુ મોકલનાર સહિત 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને ફરિયાદ નોંધવામાં આવી છે.

કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત

પોલીસે ઝડપેલા ડ્રાઈવર રુકમુદ્દીન રજાક અને ક્લિનર મોનામ જોમખાનની પ્રાથમિક પૂછપરછ કરી હતી.જેમાં તેમણે જણાવ્યું કે, હરીયાણામાં આવેલા જોરાસીનાં રોહિત જાટે તા.7 એપ્રિલે રાતે અગિયાર વાગ્યે હરિયાણા સ્થિત વિલાસપુરથી કન્ટેનર આપ્યું હતું. જે કન્ટેનર વાપી લઈ જવાનું જણાવીને કપડવંડ-મોડાસા હાઈવે પાસે આવેલ તિરંગા હોટલ પહોંચીને રાહ જોવા જણાવ્યું હતું. ત્યાર પછી આગળનું લોકેશન મળ્યા બાદ ત્યાંથી જવાનું હતું.