Kheda Leopard Attack: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના માર્ગ પર દીપડો દેખાયો હોવાની ચર્ચાએ ગ્રામજનોમાં ચકચાર મચાવી હતી. દીપડાને જોવા માટે ગ્રામજનો અને કેટલાક યુવકોનું મોટું ટોળું કેનાલ પાસે એકઠું થયું હતું. આ દરમિયાન, અચાનક ઝાડી-ઝાંખરામાંથી દીપડો બહાર નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
લોકો પર હુમલો કર્યો
દીપડાએ ટોળા તરફ દોટ મૂકી અને હવામાં છલાંગ લગાવીને યુવકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિનુભાઈ રાઠોડ, અર્જુનભાઈ તળપદા, પ્રવેશ કુમાર પરમાર અને જયેશ ભાઈ પરમાર સહિત ચાર યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત માંથી અર્જુનભાઈ તળપદાને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જીવ બચાવવા યુવકો કેનાલમાં કૂદી પડ્યા
હુમલાનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં દીપડો હુમલો કરતો જોઈને કેટલાક યુવાનો પોતાનો જીવ બચાવવા માટે કેનાલના પાણીમાં કૂદી પડતા જોવા મળે છે. સ્થાનિક અરવિંદભાઈ પરમારે જણાવ્યું કે, દીપડો લોકોની ભીડ વચ્ચે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેણે ચારથી પાંચ લોકોને ઈજા પહોંચાડી અને મોટી કેનાલની પાળ તરફ ભાગી ગયો હતો.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે સીમ વિસ્તારમાં બે પાંજરા ગોઠવીને કવાયત શરૂ કરી છે. જોકે, હજી સુધી દીપડો પાંજરે ન પૂરાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લા ફોરેસ્ટ અધિકારીએ વીડિયો દ્વારા જાહેર અપીલ કરી લોકોને દીપડાથી સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને રાત્રે ઢોરની પાસે સૂવાનું ટાળવા સૂચના આપી છે.
