Kheda: પાકિસ્તાન માટે જાસૂસી કરતાં ઝડપાયેલી મહિલાએ મહેમદાબાદના યુવકને ફસાવવાનો પ્રયાસ કર્યો, માસિક રૂ.20 હજારની ઑફર આપી હતી

જાસૂસ મહિલાએ દિલ્હીથી યુવકને રાઉટર, કેબલ સહિતના ડિવાઈઝ મોકલ્યા. જો કે યુવકને શંકા જતાં તેણે ATSનો સંપર્ક સાધતા આખા નેટવર્કનો ભાંડો ફૂટ્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 04 Dec 2025 11:12 PM (IST)Updated: Thu 04 Dec 2025 11:12 PM (IST)
kheda-news-spying-for-pak-2-agents-on-12-days-police-remand-by-special-court-649725
HIGHLIGHTS
  • ખેડા કોર્ટમાં રજૂ કરેલા બન્ને આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Kheda: ગુજરાત ATSએ દેશની સુરક્ષા સામે કાર્યરત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે મહત્વપૂર્ણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગોવામાંથી રાશમની રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બંને પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહી ISIS માટે કામ કરતા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકત્રિત કરી પહોંચાડતા હતા. ATSએ બંનેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

બંને ઝડપાયેલા આરોપીઓને આજે ખેડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી બેની ધરપકડ થઈ ચૂકી છે.

આરોપી એ.કે. સિંહ અગાઉ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો. જે પાકિસ્તાની જાસૂસોને મહત્વપૂર્ણ આર્મીની વિગતો પહોંચાડતો હતો. જ્યારે રાશમની હનીટ્રેપ ટેક્નિકનો ઉપયોગ કરીને આર્મી જવાનો પાસેથી ગુપ્ત માહિતી મેળવી તેને આગળ પહોંચાડતી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કાચ્છઈ ગામના એક યુવકના પણ સંપર્કમાં હતી અને તેને જાસૂસીના જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકને ફસાવવા માટે આરોપીઓએ તેને યુટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ આપવાની ઓફર સાથે માસિક રૂ 20,000ની લાલચ આપી હતી. આ ષડયંત્ર હેઠળ ‘રાધિકા’ નામની બીજી મહિલાએ દિલ્હીથી યુવકને રાઉટર, કેબલ અને અન્ય ડિવાઇસ મોકલ્યા હતા.

યુવકના લેપટોપમાં ભારતીય સેનાના સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ સેવ કરાવી ઝૂમ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી. નવેમ્બર 2024થી માર્ચ 2025 વચ્ચે પાંચ વખત આવા ડોક્યુમેન્ટ્સ મોકલાયા હતા.

યુવકને મહિલાઓની હરકતો શંકાસ્પદ લાગી અને તેણે દેશની સુરક્ષા સાથે જોડાયેલા મામલાની ગંભીરતા સમજી 3 એપ્રિલ 2025ના રોજ ATSનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી.