Nadiad News: નડિયાદ શહેરના સંતરામ રોડ સ્થિત આવેલ વર્ગો કોમ્પ્લેક્સમાં આજે સવારના સમયે અચાનક લાગેલી આગથી ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સના ભોયરામાં આવેલી બે ઇલેક્ટ્રોનિક ગોડાઉનની દુકાનોમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગ તાત્કાલિક સક્રિય બન્યો હતો અને બે ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા હતા. આગના કારણે આખા કોમ્પ્લેક્સમાં ભારે ધુમાડો ફેલાઈ જતા વેપારીઓ તેમજ નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોયરામાં ઇલેક્ટ્રોનિક સામાનનો જથ્થો મોટાપાયે હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઇલેક્ટ્રોનિક સામાન સળગતા ઝેરી ધુમાડો ઉત્પન્ન થવા લાગ્યો હતો, જેના કારણે કોમ્પ્લેક્સના ગેલરી અને ઉપરના માળ સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સુરક્ષાને ધ્યાને લેતા લોકોને એકત્ર થવાથી દૂર કર્યા હતા. માર્ગ પર ટ્રાફિક પણ કેટલાક સમય માટે અસરગ્રસ્ત રહ્યો હતો.

માહિતી મુજબ, કોમ્પ્લેક્સની અંદર કોઈ ફસાયેલું છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ નથી. ફાયર બ્રિગેડના જવાનો સતત રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલ છે અને ભોયરા સુધી પહોંચવા માટે ખાસ સાધનોની મદદ લઈ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે ઘાટો ધુમાડો હોવાથી આગ પર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આગના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ નિષ્કર્ષ આવી શક્યો નથી, પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાય નહીં. આગને કારણે કોમ્પ્લેક્સના વેપારીઓને આર્થિક નુકસાન થવાની આશંકા છે. ઘટનાસ્થળે સતત ફાયર બ્રિગેડની ટીમો યથાવત છે અને આગને સંપૂર્ણ કાબૂમાં લેવા કામગીરી ચાલુ છે.
