UpdatedIST

નડિયાદ નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીના આપઘાત કેસમાં મહિલા પ્રોફેસરની ધરપકડ, 3 દિવસથી ચાલતું દલિત સમાજનું આંદોલન આખરે સ્થગિત

કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં જય પાટીલ નામના વિદ્યાર્થીએ આચાર્ય અને પ્રોફેસરોના ત્રાસથી કંટાળીને સ્યુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 15 Feb 2026 11:02 PM (IST)Updated: Sun 15 Feb 2026 11:02 PM (IST)
nursing-student-suicide-case-female-professor-arrested-in-nadiad-protest-suspended-692740
HIGHLIGHTS
  • હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર
  • દલિત સમાજની ઉગ્ર આંદોલનની ચિમકી

Kheda: નડિયાદની એક નર્સિંગ કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં આ કેસમાં સંડોવાયેલ 5 આરોપીઓ પૈકી મહિલા પ્રોફેસર પ્રકૃતિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ દલિત સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે 3 દિવસથી કલેક્ટર કચેરી ખાતે ચાલતુ આંદોલન હાલ પુરતુ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીના આપઘાત કેસમાં નર્સિંગ કોલેજના આચાર્ય સહિત અન્ય ચાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવે છે. તેમની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જે ટેક્નીકલ સર્વેલન્સના આધારે સંભાવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી કરી રહી છે.

આ અંગે દલિત સમાજના અગ્રણી કનુભાઈએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ વડા તેમજ મામલતદાર દ્વારા આરોપીની ધરપકડની ખાતરી આપવામાં આવી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સમય માંગ્યો હોવાથી હાલ આંદોલન અટકાવવામાં આવ્યું છે. જો ટૂંક સમયમાં અન્ય આરોપીઓની ધરપકડ નહીં થાય, તો આવનારા દિવસોમાં ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જય પાટીલના આપઘાત બાદ પરિવારજનો અને સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેના પગલે હરકતમાં આવેલી પોલીસે તાબડતોડ તપાસ કરીને મહિલા પ્રોફેસરની ધરપકડ કરી છે. જેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં જય પાટીલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અંતિમ પગલું ભરતા પૂર્વે જય પાટેલી પોતાની સ્યુસાઈડ નોટમાં કોલેજના આચાર્ય અને પ્રોફેસરો દ્વારા પોતાને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ મૂક્યો હતો.