Nadiad: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ આગામી સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલા નડિયાદમાં બનાવેલા પોતાના આલિશાન બંગલોમાં વાસ્તુ પૂજન બાદ પત્ની સાથે ગૃહ પ્રવેશ કર્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
અક્ષર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૃહ પ્રવેશની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, હું ઘણું બધુ કહેવા માંગું છું, પરંતુ આ માટે મારી પાસે શબ્દો નથી. આની પાછળ ઘણી બધી લાગણીઓ છૂપાયેલી છે. જો કે હાલ માત્ર એક વાક્ય જ કહેવા માંગીશ કે, 'સપનાનું ઘર.

અક્ષર પટેલ અને તેની પત્નીએ પોતાના નવા ઘરનું નામ Haksh Villa રાખ્યું છે, જે તેમના ડિસેમ્બર-2024માં જન્મેલા તેમના દીકરા 'હક્સ પટેલ' ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ગઈકાલે એટલે કે 12 નવેમ્બરના રોજ અક્ષર પટેલના નવા ઘરમાં ગૃહ પ્રવેશનો કાર્યક્રમ થયો હતો. જેમાં અક્ષર પટેલના પરિવારે નજીકના મિત્રો અને સગા-સબંધીની હાજરીમાં પરંપરાગત વાસ્તુ પૂજા કરીને નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી પોસ્ટમાં અક્ષર પટેલ પારંપારિક કૂર્તા-પાયજામાં, જ્યારે પત્ની મેહા સાડીમાં જોવા મળી રહ્યા છે. 'Haksh Villa'નું ઇન્ટિરિયર મોર્ડન ડિઝાઇન અને ટ્રેડિશનલ ટચનું સુંદર મિશ્રણ દર્શાવે છે.
આ શુભ પ્રસંગે ક્રિકેટ જગતમાંથી પણ અનેક નામી હસ્તીઓ હાજર રહી હતી. જેમાં દિલ્હી કેપિટલ્સના હેડ કોચ હેમાંગ બદાની અને ટીમના ક્રિકેટ ડાયરેક્ટર વેંકટપતિ રાવ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝી તરફથી રમે છે અને તેને IPL 2025માં ટીમનો નવો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, અક્ષર પટેલે છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમને 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેના શાંત સ્વભાવ અને જવાબદારીભર્યા પ્રદર્શને ફેન્સનું દિલ જીત્યું છે. 2024 વર્લ્ડ કપની ફાઈનલમાં તેની શાનદાર ઇનિંગ્સ આજે પણ યાદગાર છે.

