Vadtal News: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 2 નવેમ્બરને રવિવારના રોજ મંદિરમાં બિરાજમાન શ્રીલક્ષ્મીનારાયણદેવ શ્રીહરિકૃષ્ણમહારાજ સહીત આદિદેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો.

વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલધામએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપસનાનું કેન્દ્ર છે. શ્રીહરિએ આજથી 201 વર્ષ પૂર્વે સ્વહસ્તે શ્રીલક્ષ્મીનારાયણદેવ, શ્રીહરિકૃષ્ણમહારાજ સહિત આદિદેવોની સ્થાપના કરી હતી. તારીખ 2 જી નવેમ્બરના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. સવારે મંગળા આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ તથા મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પ્રભાનંદજી વિગેરેના હસ્તે સંપન્ન થયો હતો.

અભિષેક બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના અભ્યોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. 201માં પાટોત્સવ અંતર્ગત દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક તથા અન્નકૂટ દર્શનનો લાભલેવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.ત્યારબાદ નંદસંતોની ધર્મશાળા ખાતે આવેલ ગોપાળાનંદ સ્વામીના આસને 14 પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ભાગવતી દિક્ષા પ્રદાન કરી હતી. આચાર્ય મહારાજ ગાદી અરૂઢ થયા બાદ આજદિન સુધીમાં 932 પાર્ષદોને ભાગવતી દિક્ષા પ્રદાન કરી છે. જેમા વડતાલના 480, જૂનાગઢના 380, ગઢપુરના 63 તથા ધોલેરાના 8 પાર્ષદોનો સમાવેશ થાય છે.


જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃએ આજે રવિવારે 26 બહેનોને સાંખ્યયોગીની દિક્ષા આપી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નવદિક્ષિત સંતોને કંઠીથી,યજ્ઞાપવિત તથા ગુરૂમંત્ર આપ્યો હતો. દિક્ષા વિધિ બાદ સૌ નવદિક્ષિત સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, શાસ્ત્રોનું અભ્યાસ કરવા, તેમજ સત્સંગનું સંવર્ધન કરવાની શીખ આપી હતી. ત્યારબાદ મહારાજ નવદિક્ષિત સંતો સાથે મંદિરમાં પધાર્યા હતા. જ્યાં નવદિક્ષિત સંતોએ મંદિરમાં દેવોને દંડવત પ્રણામ કરી મહારાજ સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર વધાવી લીધા હતા. બપોરે 12 કલાકે મંદિરમાં ધર્મદેવના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. સાંજે 4 કલાકે મંદિરમાં ધર્મદેવ-ભક્તિમાતા તથા વાસુદેવજીના દેરામાં હાટડી ભરવામાં આવી હતી.
