Vadtal Dham: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આદિધામ વડતાલ ખાતે હાલમાં શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. તા. 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલનારા આ સપ્તાહવ્યાપી મહોત્સવમાં દેશ-વિદેશના લાખો હરિભક્તો ઉમટી રહ્યા છે.
મહોત્સવના મુખ્ય આકર્ષણો
200 કિલો અડદિયા પાકનો અન્નકૂટ
મહોત્સવના પાંચમાં દિવસે, 3 નવેમ્બરના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા મુખ્ય દેવો શ્રી લક્ષ્મીનારાયણદેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજને 200 કિલો અડદિયા પાકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 11 થી 1 વાગ્યા સુધી હજારો હરિભક્તોએ આ અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અન્નકૂટ એક હરિભક્ત દ્વારા ચેરમેન ડૉ. સંતવલ્લભસ્વામી હસ્તે – શ્યામસ્વામીની પ્રેરણાથી ધરાવાયો હતો.
શ્રી લક્ષ્મી નારાયણદેવનો 201મો વાર્ષિક પાટોત્સવ
મહોત્સવના ભાગરૂપે 2 નવેમ્બરના રોજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મી નારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો.પાટોત્સવના અનુસંધાને આચાર્યશ્રીએ 14 પાર્ષદોને ભાગવતી દીક્ષા તેમજ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ 26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા પ્રદાન કરી હતી. આ ઉપરાંત મહોત્સવના મંગલ અવસરે આચાર્ય રામાનુજાચાર્યની ભાવપૂર્વક વંદના કરવામાં આવી હતી.
વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજીએ રામાનુજાચાર્યના જીવનનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યું કે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક અને સદગુરૂ રામાનંદ સ્વામીના ગુરુ હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કર્યો છે કે રામાનુજાચાર્યકૃત ભાષ્ય અને ભગવત ગીતાનું ભાષ્ય એ સંપ્રદાયનું અધ્યાત્મશાસ્ત્ર છે.
દ્વિશતાબ્દી મહોત્સવનો મહિમા
ભગવાન સ્વામિનારાયણે સંવત 1882માં વડતાલના હરિ મંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. ઉપરાંત, તેમણે સંપ્રદાયના આશ્રિતોના આધ્યાત્મિક પોષણ માટે આચાર્યપદની સ્થાપના કરી હતી. આ બંને ઐતિહાસિક ઘટનાઓને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં આ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે.
મહોત્સવ દરમિયાન સવારે વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડલધામ) દ્વારા શિક્ષાપત્રી ભાષ્ય કથાનું અને સાંજે નિત્યસ્વરૂપ દાસજી સ્વામી દ્વારા આચાર્યોદય ગ્રંથ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. મહોત્સવમાં ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ સમાજમાં સંપ, સુહૃદભાવ અને એકતા વધારવાનો છે.
