UpdatedIST

Narmada: ધર્મેશ્વર મંદિરના રૂમમાંથી વાઘના ચામડા અને નખ મળવાનો મામલો, વન વિભાગની સાથે તપાસમાં IBની ટીમ પણ જોડાઈ

દિવંગત પૂજારી સ્વામી માધવાનંદજીનો પાસપોર્ટ મળ્યો, જેમાં તેમનું કાયમી સરનામું અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં હોવાનું ખુલ્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 09 Jan 2026 09:58 PM (IST)Updated: Fri 09 Jan 2026 09:58 PM (IST)
narmada-news-ib-join-investigation-for-tiger-nail-and-skin-found-from-dharmeshwar-mahadev-mandir-671206
HIGHLIGHTS
  • વન વિભાગે જપ્ત કરેલ ચામડા અને નખને તપાસ માટે FSLમાં મોકલાયા

Narmada: નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલા સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વન્યજીવના આશરે 40 ચામડા અને 133 નખ મળવાના મામલે તપાસનો વ્યાપ હવે વિસ્તરતો જઈ રહ્યો છે.

વન વિભાગ સાથે હવે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) પણ તપાસમાં જોડાયું છે. વન વિભાગે જપ્ત કરાયેલા ચામડા અને નખને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલ્યા છે, જેના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે આ ચામડા અને નખ વાઘના છે કે અન્ય કોઈ વન્યપ્રાણીના.

તપાસ દરમિયાન ધર્મેશ્વર મંદિરના જૂના મકાનમાંથી દિવંગત પૂજારી સ્વામી માધવાનંદજીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પાસપોર્ટ તથા મંદિરના ટ્રસ્ટીઓ પાસેથી મળેલી વિગતોના આધારે સ્વામી માધવાનંદજીના ભૂતકાળ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Somnath Swabhiman Parv: સી.આર. પાટીલે સુરત સ્ટેશનથી 1296 શ્રદ્ધાળુઓને લઈ જતી સ્પેશિયલ ટ્રેનને ફ્લેગઑફ આપી પ્રસ્થાન કરાવ્યું

પાસપોર્ટ મુજબ તેમનો જન્મ 3 માર્ચ 1934ના રોજ તત્કાલીન મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના વાયંક ગામમાં થયો હતો. 24 માર્ચ 1973ના રોજ અમદાવાદ પાસપોર્ટ કચેરીમાંથી તેમનો પાસપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેમનું પૂરું નામ માધવાનંદજી ભગતરામ દ્વિવેદી દર્શાવવામાં આવ્યું છે. વ્યવસાય તરીકે ‘Priest’ લખેલું છે અને કાયમી સરનામું ગીતા મંદિર, અમદાવાદ દર્શાવાયું છે.

માધવાનંદજીનો પાસપોર્ટ પ્રથમ 23 માર્ચ 1978 સુધી વેલીડ હતો અને ત્યારબાદ 17 ફેબ્રુઆરી 1978ના રોજ રીન્યુ કરાવતાં તે 23 માર્ચ 1983 સુધી માન્ય રહ્યો હતો. પાસપોર્ટમાં 1977માં તેઓ અમેરિકા ગયા હોવાની નોંધ પણ છે.

11 મે 1977ના રોજ તેમને અમેરિકાના છ મહિનાના વિઝા મળ્યા હતા, જે 11 ઓક્ટોબર 1977 સુધી વેલીડ હતા. તેઓ મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટથી અમેરિકા ગયા હોવાની એન્ટ્રી અને સીલ પણ પાસપોર્ટમાં નોંધાયેલ છે.

સૂત્રો મુજબ સ્વામી માધવાનંદજી અંદાજે 40 વર્ષ પહેલા અમદાવાદના ગીતા મંદિરથી ધર્મેશ્વર મંદિર આવ્યા હતા. તેઓ કોઈ અખાડા, મઠ કે સાધુ મંડળ સાથે જોડાયેલા ન હતા અને ચાર દાયકાથી વધુ સમય સુધી મંદિરના પૂજારી તથા સર્વેસર્વા તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ સાત્વિક જીવનશૈલી ધરાવતા હતા અને કોઈ પ્રકારનું વ્યસન ન હતું.

જોકે મંદિરના જૂના ટ્રસ્ટીઓ સાથે તેમના સંબંધો સારા ન હોવાનું અને ગેરવર્તણૂક અંગે ફરિયાદો હોવાની માહિતી મળી છે. ગયા વર્ષે 7 જુલાઈ 2025ના રોજ 91 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

હવે મંદિરના જૂના મકાનમાં તેમના રૂમમાંથી મળેલા વન્યજીવના ચામડા અને નખને લઈને IB અને વન વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. ચામડા વાઘના હોવાની આશંકાને પગલે મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર વિસ્તર્યો છે, તેમજ માધવાનંદજીના 1977ના અમેરિકાપ્રવાસ દરમિયાન તેઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.