Narmada News: નર્મદા જિલ્લો આજે એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બની રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને નિમિત્તે ખાસ કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે સાથે મોટા પાયે વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરવા જિલ્લામાં પધારશે. પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને વિકાસલક્ષી તમામ પરિપ્રેક્ષ્યને સ્પર્શતો હોવાથી સમગ્ર જિલ્લાવાસીઓમાં ભારે ઉત્સાહ છે.
પ્રધાનમંત્રી સવારે 7.45 વાગ્યે દિલ્હીથી રવાના થઈ 9.20 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાંથી હેલિપેડ પહોંચીને 10 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સુરત સ્ટેશનની મુલાકાત લઈને તેની પ્રગતિની સમીક્ષા કરી. બાદમાં 11.30 વાગ્યે સુરત હેલિપેડથી દેવમોગરા માટે રવાના થઈ 12.15 વાગ્યે ત્યાં પહોંચશે. અને દેવમોગરા માતાજીના મંદિરમાં પ્રધાનમંત્રી દ્વારા 12.40 થી 1 વાગ્યા સુધી પૂજા-અર્ચના કરવામાં આવશે.
ત્યાર પછી 1.15 વાગ્યે હેલિકોપ્ટર મારફતે ડેડીયાપાડા માટે પ્રસ્થાન કરશે ડેડીયાપાડામાં પારસી ટેકરા હેલિપેડથી બિરસા મુંડા ચોક સુધી વિશાળ રોડ શો યોજાશે, જેમાં હજારો લોકો ભાગ લેશે રોડ શોના રૂટનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્ધારા ગતરોજ જ કરવામાં આવ્યું હતું અને 25 થી વધુ વાહનોના કાફલાનો રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
2.10 વાગ્યે પ્રધાનમંત્રી સભાસ્થળે પહોંચ્યા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરશે. અહીં પ્રધાનમંત્રીએ કુલ ₹9,700 કરોડના વિકાસ મહાપ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેમાં આદિવાસી વિસ્તારોમાં માર્ગ, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓને નવી ગતિ આપનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 4.05 વાગ્યે પ્રધાનમંત્રી હેલિપેડ માટે રવાના થઈ 4.15 વાગ્યે સુરત એરપોર્ટ માટે પ્રસ્થાન કરશે અને સાંજે 5 વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરી 6.40 વાગ્યે દિલ્હી પહોંચશે. નર્મદા જિલ્લામાં આજનો દિવસ ગૌરવમય ઇતિહાસની પંક્તિઓમાં સદૈવ યાદ રહેશે.
