Narmada News: નર્મદા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારમાં આવેલા ડેડિયાપાડામાં આવતી કાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના પ્રસંગે વિશાળ સભાને સંબોધવા આવશે. વડાપ્રધાન તરીકે મોદી પ્રથમવાર ડેડિયાપાડા આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય હલચલ વધી ગઈ છે. નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદી ડેડિયાપાડાના માર્કેટિંગ યાર્ડ ખાતે ઊભા કરવામાં આવેલા વિશાળ ડોમમાં આદિવાસી સમાજને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ડેડિયાપાડાથી 20 કિમી દૂર આવેલા દેવ મોગરા માતાજીના મંદિરે પણ દર્શન માટે જશે. મંદિર પરિસરમાં વડાપ્રધાનના સ્વાગત માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે. કહેવાય છે કે માતાજીના નામ પરથી જ ગામનું નામ દેવ મોગરા પડ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇન્દ્રવર્ણા ગામે ખાટલા પરિષદ યોજી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરૂડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી નવેમ્બરે ખાટલા પરિષદ યોજી ગ્રામજનોને દેડિયાપાડા ખાતે આયોજિત ભગવાન બિરસા મુંડાજીની150મી જન્મ જયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
શિયાળાની ઠંડી રાત્રીમાં હર્ષ સંઘવીના પ્રેરક સંબોધનથી ગ્રામજનોનું ઉષ્માવર્ધન થયું હતું. હર્ષ સંઘવીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, દેશ અને આદિવાસી સમાજના ઉન્નતિ માટે પોતાના જીવનનું અવિસ્મરણીય યોગદાન આપનાર ભગવાન બિરસા મુંડા કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ઐતિહાસિક બનશે
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, જેમ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ હતી, તેમ હવે આ જ પાવન ધરતી પર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ઐતિહાસિક બનશે. આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજનો નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ઉત્સવ છે. નર્મદા જિલ્લાની આજ ધરતી પર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો, અને હવે ફરીથી આ પવિત્ર ધરતી પરથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસારિત થવાનો છે. ભગવાન બિરસા મુંડાની ઉજવણી ઐતિહાસિક છે.
ગ્રામજનોને જન્મ જયંતિની ઉજવણીમાં આવવા આમંત્રણ આપ્યું
અંતે હર્ષ સંઘવીએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, હું ઇન્દ્રવર્ણા તેમજ આસપાસના તમામ ગામોના પ્રિય ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના આ પવિત્ર અને ઐતિહાસિક પ્રસંગે સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવું છું. આપ સૌ અવશ્ય પધારી, આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનશો. અવશ્ય પધારશો. ત્યારે અહીં હું ઇન્દ્રવર્ણા સહિત આસપાસના તમામ ગામો અને ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના આ શુભ અવસરે આમંત્રણ પાઠવું છું. અવશ્ય પધારશો.

દેડિયાપાડામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આવતીકાલે 15 નવેમ્બર 2025ના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારા કરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોને બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાની સાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીનો સુચનાઓ આપી હતી.
