UpdatedIST

Mahashivratri 2026: બીલીમોરા સોમનાથ મંદિરમાં શિવભક્તો ઉમટ્યા, મહાશિવરાત્રી માટે ખાસ UKથી આવ્યું દંપતી

નવસારી શહેર અને જિલ્લા તમામ શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 15 Feb 2026 02:23 PM (IST)Updated: Sun 15 Feb 2026 02:23 PM (IST)
mahashivratri-2026-celebrated-at-bilimora-somnath-temple-in-navsari-692357
HIGHLIGHTS
  • નવસારીમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
  • બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
  • ભક્તોએ મહાદેવને બીલીપત્ર, દૂધ અને જળનો અભિષેક કર્યો

Navsari Mahashivratri Celebration: આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે, ત્યારે નવસારીના બીલીમોરામાં આવેલ પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા.

બીલીમોરાના સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા

બીલીમોરામાં પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આજે મહાશિવરાત્રી પર્વ હોવાથી વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ ભક્તોમાં યુનાઇટેડ કિંગડમથી (UK) ખાસ મહાશિવરાત્રી માટે આવેલ એક NRI દંપતી પણ સામેલ હતું.

મીની સોમનાથ ગણાતું મહાદેવ મંદિર

દક્ષિણ ગુજરાતમાં આવેલા શિવાલયોમાં બીલીમોરાનું આ મીની સોમનાથ મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. 108 ફૂટ ઊંચા શિખર અને અદ્ભુત કલાકારીગરીથી સુશોભિત આ મંદિર તેની ભવ્યતા માટે જાણીતું છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ 12 વાગ્યે શિવલિંગ પર ઘી કમળ અર્પણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ  

મંદિરના ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના મૂળ સ્થાને બિરાજમાન છે. શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપ જોવા મળે છે, જે ભવ્ય ઘુમ્મટ નીચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુદ્ધ ચાંદીના કલાકારીયુક્ત પતરાથી મઢવામાં આવ્યા છે. બહારના બે સુંદર ગોખમાં ભગવાન ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે.

મંદિરના ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર

મંદિર સંકુલમાં પ્રવેશવા માટે સોમનાથ રોડ પર એક ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર આવેલું છે. આ દ્વાર પાર કર્યા પછી વિશાળ ચોગાન અને ત્યારબાદ મંદિરનું મુખ્ય ઉત્તર દ્વાર આવે છે, જે 20 ફૂટ ઊંચો અને આકર્ષક છે. ઉત્તર દ્વારની ઉત્તરે એક સુંદર બગીચો, ફુવારો અને બાળકો માટે ક્રીડાંગણ પણ છે. ઉત્તર દ્વાર જેવું જ એક દક્ષિણ દ્વાર પણ છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે.