Navsari Flood Relief Package: જુલાઈ-2026 દરમિયાન નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે આર્થિક નુકસાન ભોગવનારા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમો માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે ખાસ કમિટીઓની રચના પણ કરી દેવામાં આવી છે.
સહાય માટે તાલુકા અને ઝોન વાઈઝ સમિતિઓની રચના
અરજીઓના ઝડપી અને સુચારુ નિકાલ માટે તંત્ર દ્વારા કમિટીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે:
- મહાનગરપાલિકા વિસ્તાર: સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં.
- નગરપાલિકા વિસ્તાર: સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં.
- ગ્રામ્ય વિસ્તાર: પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં.
(નોંધ: સહાય અંગેની કોઈપણ તકરાર કે અપીલના નિકાલ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિ કામ કરશે.)
કોને કેટલી મળશે રોકડ સહાય?
સરકારના આ પેકેજ હેઠળ રોકડ સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.
GST ધારક વેપારીઓ માટે લોન પર વ્યાજ સહાય
છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરતા પાકી દુકાનના વેપારીઓને 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય આપવામાં આવશે.
₹20 લાખ સુધીની લોન: (છેલ્લા ત્રિમાસિક ટર્નઓવર ₹7.5 લાખ સુધી હોય) વધુમાં વધુ ₹5 લાખ સુધી વ્યાજ સહાય
₹25 લાખ સુધીની લોન: (છેલ્લા ત્રિમાસિક ટર્નઓવર ₹7.5 થી ₹15 લાખ હોય) વધુમાં વધુ ₹8 લાખ સુધી વ્યાજ સહાય
₹30 લાખ સુધીની લોન: (છેલ્લા ત્રિમાસિક ટર્નઓવર ₹15 લાખથી વધુ હોય) વધુમાં વધુ ₹10 લાખ સુધી વ્યાજ સહાય
આ વ્યાજ સહાય માત્ર નવેસરથી લીધેલી બેંક લોન પર જ મળશે. CC (કેશ ક્રેડિટ) કે OD (ઓવરડ્રાફ્ટ) એકાઉન્ટ પર આ લાભ મળશે નહીં. બેંકમાંથી લોન મળ્યા બાદ વ્યાજ સહાયની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નવસારી ખાતે કરવાની રહેશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને આધાર-પુરાવા તપાસ્યા બાદ જ સહાય મંજૂર થશે. અસરગ્રસ્ત વેપારીઓએ નિયત નમૂનામાં અરજી જરૂરી આધાર-પુરાવા સાથે નવસારી મહાનગરપાલિકા, સંબંધિત નગરપાલિકા, મામલતદાર કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
