Navsari Road Accident: નવસારીના સાગરા ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. નવસારી, મરોલી રોડ પર સાગરા બ્રિજ પર એક કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતુ. કારની ટક્કર વાગતા બાઇક ફંગોળાઈ હતી. જેમાં બાઇક સવાર પિતાને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાયો હતો. બનાવમાં પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો અને સારવાર બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.
પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મરોલીથી નવસારી તરફ કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. જે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સામેથી આવી રહેલી બાઇક સાથે અથડાઇ હતી. બાઇકને ટક્કર મારીને કાર બ્રિજની દિવાલ સાથે અથડાઇ હતી. કારની ટક્કર વાગતા પિતાને ગંભીર ઇજા પહોંચતા બ્રિજ પર તેમનું મોત નીપજ્યું હતું જ્યારે કારની ટક્કરથી પુત્ર બ્રિજ નીચે પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. પિતા-પુત્ર નવસારીથી મરોલી આવી રહ્યાં હતા.
મૃતકો અને આરોપી મરોલી ગામના રહેવાસી
બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના આ બનાવમાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને પ્રથમ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મૃતકોમાં અમૃત મિસ્ત્રી અને હિરેન અમૃત મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલક હરીશ નવીન મિસ્રી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતક પિતા-પુત્ર અને આરોપી કાર ચાલક એમ ત્રણેય મરોલી ગામના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
