Navsari Wedding Corridor: કોઈપણ નવયુગલ માટે લગ્ન સમયના ફોટો વીડિયો ખૂબ ખાસ હોય છે. તેથી પણ આગળ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિવેડિંગ શૂટનો ક્રેઝ જામ્યો છે. લગ્ન સીઝન શરૂ થતા જ ગોવા અને ઉદેપુર જેવા સ્થળો પર બુકિંગ શરૂ થઈ જાય છે. પરંતુ, હવે ગુજરાતીઓ માટે નવસારી એક મોટા વિકલ્પ અને ‘મેરેજ ટુરિઝમ’ સ્પોટ તરીકે સામે આવ્યું છે.
‘મેરેજ ટુરિઝમ’ ક્ષેત્રે નવસારીની મોટી છલાંગ
અત્યાર સુધી માત્ર ચીકુ, કેરી અને વેપાર માટે જાણીતું નવસારી શહેર હવે ડેસ્ટિનેશન વેડિંગ સ્પોટ તરીકે ઉભરી આવશે. આ સાથે નવસારી ગુજરાતના અર્થતંત્રનું નવું એન્જિન બનવા જઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું નવસારી શહેર હવે ‘મેરેજ ટુરિઝમ’ના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી રહ્યું છે.
રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થશે વેડિંગ કોરિડોર
પરંપરાગત પાર્ટી પ્લોટની જગ્યાએ હવે લગ્ન કરવા માટે લક્ઝુરિયસ રિસોર્ટ અને નેચર-બેઝ્ડ લોકેશન્સ પહેલી પસંદ બન્યા છે. આ વચ્ચે નવસારીના અડદા ગામે રૂ. 250 કરોડનો મેગા પ્રોજેક્ટ બની રહ્યો છે, જ્યાં વેડિંગ કોરિડોર તૈયાર થશે. જેને પગલે નવસારીમાં કરોડો રૂપિયાનું રોકાણ થશે અને વૈશ્વિક નકશા પર નવી ઓળખ મળશે.
8 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો પ્રોજેક્ટ
ખેડૂતપુત્ર સંજયભાઈ પટેલ નવસારીમાં આ ખાસ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં આ નવા વેડિંગ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, જે હવે સુરત અને મુંબઈ જેવા શહેર પરની નિર્ભરતા ઘટાડશે. નવસારી વેડિંગ હબ બનવાને કારણે કેટરિંગ, ડેકોરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે.
આ પણ વાંચો: ફ્લાવર શોની પૂર્ણાહુતિ બાદ ફૂલોના છોડ ખરીદવા પડાપડી, માત્ર ₹10માં છોડ મેળવવા લાંબી કતારો
વેડિંગ કોરિડોરના મુખ્ય આકર્ષણ
આ પ્રોજેક્ટમાં 5,000 ચોરસ ફૂટનો ભવ્ય કોલમ-લેસ હોલ, તાજ અને મેરિયટ જેવી હોટલને ટક્કર આપતા અદ્યતન રૂમ્સ, IPL કદનું ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને ગોૃકાર્ટિંગ જેવી સુવિધાઓ હશે. વધુમાં અહીં 1,200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે. નવસારીમાં બની રહેલું આ કેન્દ્ર અન્ય મેટ્રો સિટીના લોકોને ખેંચી લાવશે.
બુલેટ ટ્રેન શરૂ થતા અંતર ઘટશે
આ પ્રોજેક્ટના ડેવલોપર સંજય પટેલે જણાવ્યું કે, બુલેટ ટ્રેન શરૂ થતા મુંબઈથી નવસારીનું અંતર માત્ર 90 મિનિટનું રહી જશે. મુંબઈ અને ઉદયપુરમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અમે અહીં આંતરરાષ્ટ્રીય સુવિધાઓ આપીશું, જે મુંબઈગરાઓ અને NRI માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
