Navsari Municipal Corporation Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા પણ છેલ્લી ઘડીએ તબક્કાવાર ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ નવસારી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારોના નામો પર મહોર મારવામાં આવી છે.
તાજેતરમાં જારી કરાયેલી યાદી મુજબ નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં નવા અને જૂના ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવસારી મહાનગરપાલિકા માટે ભાજપે કમર કસી છે. વોર્ડ નંબર 1માં જશુબેન સુમનભાઈ રાઠોડ, કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ, દિપકકુમાર બુધિયાભાઈ પટેલ અને આશિષભાઇ અશોકભાઈ રાખોલીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આવી જ રીતે વોર્ડ નંબર 2માં જયાબેન નવીનભાઈ રાઠોડ અને રમેશભાઈ મુળજીભાઇ વાળા જેવા નામો સામેલ છે.
નવસારી જિલ્લા પંચાયતની મહત્વની બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં આછવણી બેઠક પર હેતલબેન ગોવિંદભાઇ આહિર અને અમલસાડ બેઠક પર નિરાલીબેન નિલેશભાઇ નાયકના નામ મુખ્ય છે.
તાલુકા પંચાયતોની વાત કરીએ તો
ગણદેવી તાલુકા પંચાયત: અજરાઈ બેઠક પર સંગીતાબેન આશિષકુમાર દેસાઈ અને અમલસાડમાં સંગીતાબેન અરવિંદભાઇ નાયકાને ટિકિટ આપવામાં આવી છે.
જલાલપોર તાલુકા પંચાયત: અબ્રામા બેઠક પર કાજલબેન કિશોરભાઈ પટેલ અને આટ બેઠક પર કૃતિકાબેન સંજયકુમાર ઢોડીયા ઉમેદવાર રહેશે.
ચીખલી અને વાંસદા: આ બંને તાલુકાઓમાં પણ ભાજપે મજબૂત ઉમેદવારોની પસંદગી કરી છે. ચીખલીમાં સમીર રતિલાલ પટેલ અને વાંસદામાં રૂપેશભાઈ શંકરભાઇ ગાવીત જેવા નામોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા અગાઉથી 'નો રિપીટ થીયરી'નો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જેના પગલે નવસારીમાં અનેક વગદાર નેતાઓના પત્તા કપાઈ ગયા છે, જ્યારે મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
