Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગનો આનંદાંત આવ્યો છે. ગામના વિકાસ ફળિયામાં રહેતા ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલના લગ્ન નિમિત્તે યોજાયેલા ભવ્ય જમણવારમાં ભોજન લીધા બાદ અંદાજે 155થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. આ ઘટનાને પગલે લગ્નનો માહોલ અચાનક હોસ્પિટલના બિછાને ફેરવાઈ ગયો હતો.
વરરાજાની જાન નીકળે તે પહેલા જ તબિયત લથડી
મળતી વિગતો અનુસાર, આ જમણવારમાં આશરે 1000 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મોડી સાંજે જ્યારે વરરાજા નિલ ટંડેલની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે જ ભોજન લેનારા મહેમાનોમાં એકાએક ઉબકા, ઉલ્ટી, ઝાડા અને ગેસ જેવી તકલીફો શરૂ થઈ હતી. ખુદ વરરાજાને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી.
ભોજનમાં શું પીરસાયું હતું?
લગ્ન પ્રસંગના મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. મીઠાઈમાં મહેમાનોને દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. આશંકા સેવાઈ રહી છે કે આ વાનગીઓમાંથી કોઈ એક પદાર્થમાં ગરબડ હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે.
હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો એક્શન મોડમાં આવી ગઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક વિવિધ કેન્દ્રો પર સારવાર માટે ખસેડાયા હતા:
- સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC): 32 દર્દીઓ.
- કૃષ્ણપુર PHC: 22 દર્દીઓ.
- મંદિર ગામ PHC: 22 દર્દીઓ.
- સ્થાનિક સારવાર: 50થી વધુ લોકોને અન્ય ખાનગી અને સ્થાનિક સ્તરે સારવાર અપાઈ હતી.
આરોગ્ય વિભાગની કાર્યવાહી
આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કુલ 155 દર્દીઓ નોંધાયા હતા જેમાંથી 60 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓને ઓપીડી લેવલે પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગામમાં આરોગ્ય વિભાગની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે અને અન્ય ગામોમાં રહેલા મહેમાનો કે જેમને અસર થઈ છે તેમની પણ સ્થાનિક સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ગઇ કાલે અમલસાડ ખાતે લગ્ન પ્રસગમાં બપોરે એક થી દોઢ વાગ્યે જમણવાર હતો જેમાં 1 હજારથી 1200 માણસોએ ભોજન લીધું હતું, ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરુ થઇ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી 155 કેસો નોંધાયેલા છે, જેમાં 60 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બધા દર્દીઓ સ્ટેબલ છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર સર્વેલન્સની કામગીરી ચાલુ છે.
વધુમાં જણાવ્યું હતું કે ભોજનમાં દુધીનો હલવો, પનીરનું શાક, છોલે, ભજીયા પૂરી, અને સલાડ હતું આ પૈકી કોઈ પણ વસ્તુમાં આ થઇ શકે, આ ઘટના રાતે અમારા ધ્યાને આવી હતી. બપોરે જમણવાર પૂર્ણ થઇ ગયો હતો.
