Navsari News: નવસારી જિલ્લામાં આજ રોજ અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. નવસારી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નં 48 પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડથી આવી રહેલી બાઈક સાઈડમાં ઉભેલા ટ્રક સાથે જોશભેર ટકરાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા છે.
બાઈક ટ્રકમાં ઘૂસી ગઈ
મળતી માહિતી મુજબ, નવસારી નજીક નેશનલ હાઈવે નં 48 પર ધોળાપીપળા બ્રિજ પાસે GJ 36 V 2192 નંબરની એક ટ્રક ઉભી હતી. તેવામાં ઝડપથી આવી રહેલા બાઈક સવારે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના લીધે બાઈક સવાર ટ્રકના પાછળના ભાગે જોરદાર અથડાયો હતો. ટક્કર ખૂબ જ ખતરનાક હતી. જેના લીધે બાઈકનો ફુરચા બોલી ગયા હતા. તેથી બાઈક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 2 યુવાનોનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું
પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલ્યા
ગંભીર દુર્ઘટનાની જાણ થતા જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં જરુરી કાર્યવાહી કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ અકસ્માતના લીધે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તુરંત જ ટ્રાફિક વ્યવસ્થાને સાચવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ 20 વર્ષીય કુર્તાથ નિલેશભાઈ હળપતિ અને ધ્રુવીક મહેશભાઈ પટેલ (ઉંમર ૧૯ વર્ષ) તરીકે થઇ છે જયારે ઇજાગ્રસ્ત નિલેશ બાબુભાઈ હળપતિ (ઉંમર ૨૩ વર્ષ) હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
